<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશનું પત્તું કેમ કપાયું? ICC એ પુરાવા સાથે આપ્યો સણસણતો જવાબ

સુરક્ષાના બહાના હેઠળ ભારત આવવાનો ઇનકાર કરવો બાંગ્લાદેશને ભારે પડ્યો : ICC એ કહ્યું- "ભારતમાં કોઈ ખતરો નથી,": સમયમર્યાદા ચુકી જતાં સ્કોટલેન્ડની થઈ લોટરી

દુબઈ:  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આખરે મૌન તોડતા સ્પષ્ટ કર્યું છે કે 2026 T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવાનો નિર્ણય માત્ર વહીવટી નહીં પણ સુરક્ષા મૂલ્યાંકન પર આધારિત હતો. ICC ના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ભારતમાં સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને ટુર્નામેન્ટ શ્રીલંકા ખસેડવા માટે મક્કમ હતું. જોકે, ICC દ્વારા હાથ ધરવામાં આવેલી સ્વતંત્ર સુરક્ષા તપાસમાં બહાર આવ્યું કે ભારતમાં બાંગ્લાદેશના ખેલાડીઓ કે સમર્થકો માટે કોઈ "નક્કર કે પ્રમાણિત" ખતરો નથી. આ અહેવાલ છતાં બાંગ્લાદેશી બોર્ડ પોતાના વલણ પર અડગ રહ્યું અને અંતે ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી, જે તેમના માટે આત્મઘાતી સાબિત થઈ.

ICC બિઝનેસ કોર્પોરેશન દ્વારા BCB ને તેમની ભાગીદારીની પુષ્ટિ કરવા માટે 21 જાન્યુઆરી સુધીનો છેલ્લો સમય આપવામાં આવ્યો હતો. આ ડેડલાઇન અને ત્યારબાદની વધારાની 24 કલાકની મુદ્દત પૂરી થવા છતાં બાંગ્લાદેશ તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો. ICC એ તેના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું કે ટુર્નામેન્ટની ગરિમા અને અન્ય ટીમોના હિતોને જાળવવા માટે સમયપત્રકમાં ફેરફાર કરવો અશક્ય હતો. પરિણામે, નિયમોને આધીન રહીને ICC બોર્ડે બાંગ્લાદેશનું નામ ટુર્નામેન્ટમાંથી હટાવી દીધું અને ખાલી પડેલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી.

બાંગ્લાદેશના આ વિવાદનો સીધો ફાયદો સ્કોટલેન્ડને મળ્યો છે. ICC ના નિયમ મુજબ, જે ટીમો ક્વોલિફાય નથી થઈ શકી તેમાં સ્કોટલેન્ડ 14માં રેન્કિંગ સાથે સૌથી વધુ ક્રમાંકિત ટીમ છે. આ જ કારણ છે કે નામિબિયા અને UAE જેવી ટીમોને પાછળ છોડીને સ્કોટલેન્ડને આઠમા સ્થાને એટલે કે ગ્રુપ-C માં પ્રવેશ મળ્યો છે. હવે સ્કોટલેન્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપના મેદાનમાં ઉતરશે અને ઇંગ્લેન્ડ તથા વેસ્ટ ઇન્ડીઝ જેવી દિગ્ગજ ટીમો સામે ટકરાશે. ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ ટીમે સુરક્ષાના ખોટા બહાના હેઠળ આટલી મોટી ઈવેન્ટ ગુમાવવી પડી હોય.

(7:52 PM IST)