<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ભાગેડુઓનો હવે ખેલ ખતમ: વિદેશમાં છુપાયેલા 70 થી વધુ ગુનેગારોને ભારત ખેંચી લાવવાની તૈયારી તેજ

છેલ્લા એક દાયકાનું સૌથી મોટું સર્ચ ઓપરેશન: CBI અને તપાસ એજન્સીઓએ 74 દેશોને મોકલ્યા ‘ન્યાયિક પત્રો’ : 2024-25 માં 27 ભાગેડુઓને સફળતાપૂર્વક ભારત પરત લવાયા

નવી દિલ્હી:  ભારત સરકાર હવે વિદેશી ધરતી પર શરણ લઈ રહેલા ભારતીય ગુનેગારો અને આર્થિક છેતરપિંડી કરનારા ભાગેડુઓ માટે કોઈ કસર બાકી રાખવા માંગતી નથી. તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારત દ્વારા વોન્ટેડ એવા 70 થી વધુ ભાગેડુઓને વિદેશમાં શોધી કાઢવામાં આવ્યા છે. આ સંખ્યા છેલ્લા એક દાયકામાં સૌથી વધુ છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય તપાસ એજન્સીઓની પકડ મજબૂત થઈ રહી છે. માત્ર ભારત જ નહીં, પણ અન્ય દેશો દ્વારા વોન્ટેડ એવા 203 ગુનેગારો પણ ભારતમાં હોવાનું સામે આવ્યું છે, જેના પર સરકાર હવે કડક કાર્યવાહી કરી રહી છે.

સીબીઆઈ (CBI) અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ આ ભાગેડુઓને પાછા લાવવા માટે કાયદાકીય માળખું અત્યંત સક્રિય બનાવ્યું છે. એપ્રિલ 2024 થી માર્ચ 2025 ના ગાળામાં, ભારતે વિવિધ વિદેશી સરકારોને 74 'લેટર્સ રોગેટરી' (LR) મોકલ્યા છે. આ પત્રો દ્વારા વિદેશી સત્તાવાળાઓ પાસેથી ન્યાયિક સહયોગ અને પુરાવાઓની માંગણી કરવામાં આવી છે. ગયા નાણાકીય વર્ષમાં જ 27 ભાગેડુઓને ભારત પરત લાવવામાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે વિદેશી ધરતી હવે ભારતીય ગુનેગારો માટે સુરક્ષિત આશ્રયસ્થાન રહી નથી.

માર્ચ 2025 સુધીના ડેટા અનુસાર, વિદેશમાં હજુ પણ 533 જેટલી કાનૂની નોટિસો પેન્ડિંગ છે, જેમાંથી 276 એકલા સીબીઆઈ સાથે સંબંધિત છે. સરકારની આ આક્રમક નીતિને કારણે વિદેશમાં બેસીને ભારત સાથે છેતરપિંડી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. કાર્મિક મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રત્યાર્પણ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ વર્ષે ભાગેડુઓની ભાળ મળવી એ સરકારની આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી અને કાયદાકીય સતર્કતાની મોટી જીત માનવામાં આવે છે.

(7:53 PM IST)