તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Sunday, 25th January 2026
શું ખામનેઈ ટ્રમ્પની ધમકીથી ડરી ગયા? ઈરાનના સુપ્રીમ લીડર બંકરમાં કેદ : પુત્રને સોંપી સત્તાની લગામ!
અમેરિકાના લડાયક વિમાનો અને મિસાઈલ વિનાશક જહાજો અરબી સમુદ્રમાં તૈનાત થતા જ તેહરાનમાં ફફડાટ : ત્રીજા પુત્ર મસૂદ ખામેનીએ સંભાળ્યો મોરચો

તેહરાન : મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો અત્યંત ઘેરા બન્યા છે અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની પર જીવનું જોખમ હોવાની અટકળોએ જોર પકડ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકી અને અમેરિકી નૌકાદળના શક્તિશાળી 'યુએસએસ અબ્રાહમ લિંકન' કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની પર્સિયન ગલ્ફ તરફની આગેકૂચથી ઈરાન હચમચી ગયું છે. ગુપ્તચર અહેવાલો મુજબ, ખામેનીને ઉતાવળે તેહરાનના એક અત્યંત સુરક્ષિત અને જટિલ ટનલ નેટવર્ક ધરાવતા ભૂગર્ભ આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે. આ પગલું અમેરિકા દ્વારા સંભવિત 'સર્જિકલ સ્ટ્રાઈક' અથવા નેતૃત્વ પરિવર્તન માટેના ઓપરેશનના ડરથી લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
સત્તાના ગલિયારાઓમાં સૌથી મોટી ચર્ચા ખામેનીના ઉત્તરાધિકારીને લઈને છે. અહેવાલો મુજબ, સુપ્રીમ લીડરે તેમના ત્રીજા પુત્ર મસૂદ ખામેનીને સરકારના દૈનિક કાર્યો અને સૈન્ય સંકલન માટે 'કાર્યકારી કમાન' સોંપી દીધી છે. મસૂદ અત્યારે સરકાર અને સેના વચ્ચેની મુખ્ય કડી તરીકે ઉભરી રહ્યા છે, જે સૂચવે છે કે ખામેની કદાચ સીધા સંપર્કથી દૂર રહીને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે. બીજી તરફ, અમેરિકાએ F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ્સ અને અત્યાધુનિક વિનાશક જહાજો તૈનાત કરીને સાફ સંકેત આપ્યો છે કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ કે પ્રાદેશિક ઉશ્કેરણી બંધ નહીં કરે, તો પરિણામ ભયંકર આવશે.
ઈરાને આ તૈનાતી સામે 'ઓલઆઉટ વોર' (સંપૂર્ણ યુદ્ધ) ની ચેતવણી આપી છે અને પોતાની સૈન્ય શક્તિને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. ટ્રમ્પનું નિવેદન કે "ઈરાનમાં નેતૃત્વ પરિવર્તન અનિવાર્ય છે" તે તેહરાન માટે સીધો પડકાર સાબિત થયું છે. બ્રિટિશ ટાયફૂન જેટ્સની હાજરીએ આ સંઘર્ષને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ગંભીર બનાવી દીધો છે. હવે આખું વિશ્વ શ્વાસ રોકીને જોઈ રહ્યું છે કે શું ઈરાન નમતું જોખશે કે પછી આ ગજગ્રાહ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે લાવીને ઊભી કરી દેશે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
