<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

દિલ્હીની હવામાં 'ધીમું ઝેર': ૧૯ ઘાતક તત્વોનો ખુલાસો, શ્વાસની સાથે લોહીમાં ભળી રહ્યા છે કેન્સરકારી કણો

PM ૨.૫ માં આર્સેનિક અને નિકલ જેવા ઝેરી ધાતુઓની હાજરીથી વધતું જોખમ: વાહનોના ધુમાડા અને ઉદ્યોગોના ઉત્સર્જનને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખીલવાડ

નવી દિલ્હી:  નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NLM) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વગ્રાહી અભ્યાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે દિલ્હીની હવામાં માત્ર ધૂળ નથી, પરંતુ ૧૯ એવા ઝેરી તત્વો છે જે સીધા માનવ સ્વાસ્થ્ય પર હુમલો કરી રહ્યા છે. જાન્યુઆરી ૨૦૧૭ થી ૨૦૨૨ સુધીના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે અતિ સૂક્ષ્મ PM ૨.૫ કણોમાં એલ્યુમિનિયમ, સીસું, આર્સેનિક, ક્રોમિયમ અને નિકલ જેવા ખતરનાક તત્વો ભળેલા છે. આ તત્વો એટલા સૂક્ષ્મ છે કે તે ફેફસાના ફિલ્ટરને પણ પાર કરીને સીધા લોહીમાં ભળી જાય છે, જેનાથી ફેફસાનું કેન્સર, હૃદયની બીમારીઓ અને કિડનીને ગંભીર નુકસાન થવાની સંભાવના અનેકગણી વધી જાય છે.

આ સંશોધનમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે હવામાં હાજર આ ઝેરી તત્વોના સ્ત્રોત મુખ્યત્વે પાંચ શ્રેણીઓમાં વહેંચાયેલા છે. જેમાં રસ્તાની ધૂળ અને માટી ઉપરાંત, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને અશ્મિભૂત ઇંધણનું દહન સૌથી મોટા ગુનેગાર છે. અભ્યાસ મુજબ, સલ્ફર, ક્લોરિન અને પોટેશિયમ જેવા તત્વો આખું વર્ષ હવામાં જળવાઈ રહે છે, જ્યારે શિયાળામાં તેમની સાંદ્રતા ચરમસીમાએ પહોંચે છે. ખાસ કરીને ક્રોમિયમ અને આર્સેનિક જેવા 'કાર્સિનોજેનિક' (કેન્સર પેદા કરનારા) તત્વોની હાજરીએ તબીબી નિષ્ણાતોમાં ભારે ચિંતા જન્માવી છે, કારણ કે આ તત્વો લાંબા ગાળે જનીની ખામીઓ પણ સર્જી શકે છે.

દિલ્હીની આ ગંભીર સ્થિતિ પર કાબૂ મેળવવા માટે માત્ર વાયુ પ્રદૂષણના આંકડા ઘટાડવા પૂરતા નથી, પરંતુ આ ૧૯ ઝેરી તત્વોના સ્ત્રોતો પર સીધો પ્રહાર કરવો અનિવાર્ય બન્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યાં સુધી ઉદ્યોગોના ધુમાડા અને વાહનોના ટાયરના ઘસારામાંથી નીકળતી સૂક્ષ્મ ધાતુઓને નિયંત્રિત કરવામાં નહીં આવે, ત્યાં સુધી દિલ્હીવાસીઓ માટે શુદ્ધ શ્વાસ લેવો એક સ્વપ્ન બની રહેશે. આ અહેવાલ બાદ હવે સરકારે પર્યાવરણીય નીતિઓમાં ધરમૂળથી ફેરફાર કરવાની અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી આ 'ધીમા ઝેર' થી નાગરિકોને બચાવી શકાય.

(8:09 PM IST)