<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

"રાહુલ ગાંધી તો સ્કૂટર માસ્ટર છે, તેમને ફક્ત ચિકન રાંધતા આવડે છે": તેજ પ્રતાપ યાદવના પ્રહારોથી ખળભળાટ

બિહારમાં મહાગઠબંધન તૂટ્યા બાદ તેજ પ્રતાપ યાદવના વિવાદાસ્પદ નિવેદન: રાહુલ ગાંધીને 'કાયર' ગણાવી અયોધ્યા ન જવા બદલ ઉધડો લીધો

પટના:  બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની કારમી હાર બાદ હવે ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે 'યુદ્ધ' શરૂ થયું છે. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના નેતા તેજ પ્રતાપ યાદવે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર અત્યંત આકરા પ્રહારો કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે રાહુલ ગાંધીને "કાયર" અને "સ્કૂટર માસ્ટર" ગણાવ્યા હતા. તેજ પ્રતાપે કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીનું કામ માત્ર ચિકન-ભાત રાંધવાનું અને સ્કૂટર ચલાવીને પ્રદૂષણ ફેલાવવાનું છે, તેનાથી રાજકારણમાં કંઈ સિદ્ધ થવાનું નથી.

આરજેડી અને કોંગ્રેસના છેડા ફાટવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેજ પ્રતાપે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, કોંગ્રેસે ગઠબંધન તોડવામાં ઘણું મોડું કર્યું છે, આ નિર્ણય પહેલા લેવાની જરૂર હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે રાહુલ ગાંધી માત્ર વાતો કરે છે, જ્યારે અયોધ્યા જવાની વાત આવી ત્યારે તેઓ પાછળ હટી ગયા, જે તેમની કાયરતા દર્શાવે છે. તેજ પ્રતાપે રાહુલ ગાંધીને "ખોટાખોટા માસ્ટર" પણ કહ્યા હતા, જે દર્શાવે છે કે બિહારમાં વિપક્ષી એકતાના લીરેલીરા ઉડી રહ્યા છે.

બીજી તરફ, રવિવારે પટનામાં યોજાયેલી આરજેડીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં લાલુ પ્રસાદના નાના પુત્ર તેજસ્વી યાદવને પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોટા ભાઈ તેજ પ્રતાપે તેજસ્વીની આ વરણીને પાર્ટીનો આંતરિક નિર્ણય ગણાવ્યો હતો, પરંતુ રાહુલ ગાંધી સામેનો તેમનો આક્રોશ સ્પષ્ટ કરે છે કે તેઓ ગઠબંધનની હાર માટે કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર માને છે. રોહિણી આચાર્યના ટ્વીટને સમર્થન આપીને તેમણે ઈશારામાં ઘણું બધું કહી દીધું છે, જેનાથી આગામી દિવસોમાં બિહારનું રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા છે.

(8:16 PM IST)