<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

સુરતના સામાન્ય ચોકીદારની રાષ્ટ્રભક્તિને પ્રધાનમંત્રીની સલામ: બેંક ખાતામાં માત્ર ૧૦૨ રૂપિયા: પીએમઓમાંથી આવ્યું દિલ્હીનું તેડું: હવે દંપતી સરકારી ખર્ચે વિમાનમાં લાલે પ્રજાસત્તાક પર્વની શાન બનશે

શહીદો પ્રત્યેની દીવાનગી એવી કે ૨ લાખ શહીદોનો ડેટા એકઠો કરનાર ચોકીદાર જિતેન્દ્રસિંહ રાઠોડ ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં વડાપ્રધાનના ખાસ મહેમાન બનશે: 'શહીદ સ્મારક હોલ' બનાવવાની રજૂઆત કરશે

સુરત: દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ કોઈ પદ, પ્રતિષ્ઠા કે પૈસાનો મોહતાજ નથી હોતો. આ વાતને સાર્થક કરી બતાવી છે સુરતની એસ.વી.એન.આઈ.ટી. કોલેજમાં સામાન્ય સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જિતેન્દ્રસિંહ રાઠોડે. જેમની નિઃસ્વાર્થ રાષ્ટ્રભક્તિની નોંધ છેક વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) સુધી લેવાઈ છે અને તેમને આ વખતની ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઘટના પાછળની કહાની અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી છે.

 

૧૦૨ રૂપિયાનું બેલેન્સ અને વિમાનની ટિકિટનો ચમત્કાર

 

આજથી આશરે ૧૦ દિવસ પહેલાં જ્યારે જિતેન્દ્રસિંહ રાઠોડ એક લગ્નપ્રસંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તેમના ફોન પર અચાનક પીએમઓમાંથી ફોન આવ્યો. સામેથી કહેવામાં આવ્યું કે, "તમને ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમ માટે દિલ્હી આમંત્રિત કરવામાં આવ્યા છે." આ સાંભળીને જિતેન્દ્રસિંહ જેટલા ખુશ થયા, તેટલી જ ચિંતા પણ તેમને થઈ. કારણ કે જ્યારે તેમણે તેમનું બેંક એકાઉન્ટ તપાસ્યું તો તેમાં માત્ર ૧૦૨ રૂપિયા જ જમા હતા. આટલી સામાન્ય રકમમાં સુરતથી દિલ્હી જવું અશક્ય હતું.

જોકે, કહેવાય છે ને કે જ્યારે ઈરાદા નેક હોય ત્યારે કુદરત પણ સાથ આપે છે.

 

જિતેન્દ્રસિંહની આર્થિક પરિસ્થિતિ અને તેમની રાષ્ટ્રભક્તિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન કાર્યાલયે સામેથી જ તેમના અને તેમના ધર્મપત્ની માટે સુરતથી દિલ્હી આવવા અને જવાની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી આપી. જિંદગીમાં ક્યારેય વિમાનમાં ન બેસનાર આ સામાન્ય ચોકીદાર દંપતી હવે આકાશમાં ઊડીને આવતીકાલે ૨૬ જાન્યુઆરીએ દેશના સૌથી મોટા મંચ પર મહેમાન ગતિ માણશે.

 

*'મન કી બાત'માં પણ થયો હતો ઉલ્લેખ*

 

જિતેન્દ્રસિંહ રાઠોડ કોઈ સામાન્ય ચોકીદાર નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ એક મિશન પર કામ કરી રહ્યા છે. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ યુદ્ધ સુધી અને અત્યાર સુધીના લગભગ ૨ લાખથી વધુ શહીદ જવાનોની માહિતી અને ફોટા એકત્ર કર્યા છે. એટલું જ નહીં, તેઓ શહીદોના પરિવારોને પોસ્ટકાર્ડ લખીને સાંત્વના પાઠવે છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. તેમની આ અનોખી સેવાને બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાંચ મહિના અગાઉ તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં જિતેન્દ્રસિંહનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને તેમની કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા.

 

*વડાપ્રધાન પાસે 'શહીદ સ્મારક હોલ'ની માંગણી*

 

દિલ્હી જઈને જિતેન્દ્રસિંહ માત્ર પરેડ જ નહીં નિહાળે, પરંતુ તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત પણ કરવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ પોતાના માટે કશું જ માંગવાના નથી. તેમનું સપનું છે કે જેમ ગુજરાતમાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' છે, તેમ દેશના શહીદો માટે એક ભવ્ય 'શહીદ સ્મારક હોલ' બનાવવામાં આવે. તેઓ પોતાની પાસે એકત્ર કરેલી તમામ માહિતી આ સ્મારક માટે અર્પણ કરવા માંગે છે. તેમનો ઉદ્દેશ્ય છે કે આવનારી પેઢી આ સ્મારકમાંથી પ્રેરણા લે અને દેશને ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલ જેવા નવા ક્રાંતિકારીઓ અને દેશભક્તો મળે.

 

*પ્રેરણા ક્યાંથી મળી?*

 

જિતેન્દ્રસિંહ મૂળ રાજસ્થાનના છે અને તેમના ગામ અને આસપાસના વિસ્તારમાંથી ૧૩-૧૪ યુવાનો દેશ માટે શહીદ થયા છે. જ્યારે કારગિલ યુદ્ધ સમયે નાગૌર જિલ્લાના શહીદ અર્જુન રામ બસવાના (જે કેપ્ટન સૌરભ કાલિયા સાથે શહીદ થયા હતા) તિરંગામાં લપેટાઈને આવ્યા, ત્યારે તેમના પિતા ચોખારામજીએ કહ્યું હતું કે, "મારો દીકરો ગયો તો શું થયું, મારી માતૃભૂમિ તો સુરક્ષિત છે ને!" આ શબ્દોએ જિતેન્દ્રસિંહના હૃદયમાં દેશભક્તિનું બીજ રોપ્યું હતું. ત્યારથી તેમણે નક્કી કર્યું કે ભલે તેઓ સીમા પર જઈને લડી ન શકે, પરંતુ શહીદોની ગાથાને જીવંત રાખીને દેશસેવા ચોક્કસ કરશે.

 

આજે જ્યારે તેઓ દિલ્હીના રાજપથ (કર્તવ્ય પથ) પર અતિથિ તરીકે બેસશે, ત્યારે તે માત્ર તેમનું જ નહીં પરંતુ દરેક સામાન્ય ભારતીયનું ગૌરવ હશે જે નિઃસ્વાર્થ ભાવે દેશને પ્રેમ કરે છે. જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, "મારા પરિવાર અને ગામના લોકો સૈનિક તરીકે પરેડમાં ભાગ લઈ ચૂક્યા છે, પણ હું મહેમાન તરીકે જઈ રહ્યો છું, જે મારા માટે દુનિયાનું સૌથી મોટું સન્માન છે."

 

(10:46 PM IST)