<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

રાજ્યો પર દેવાનો પહાડ: તમિલનાડુ-મહારાષ્ટ્ર મોખરે, જાણો ગુજરાત કેટલી ઉધારીમાં?

RBIનો ચોંકાવનારો રિપોર્ટ: દેશના રાજ્યો બજારના દેવા પર નિર્ભર, ઉત્તર પ્રદેશની કરકસર જોઈને આખું દેશ દંગ, માર્ચ 2026 સુધીમાં સ્થિતિ વણસવાના સંકેત

નવી દિલ્હી: ભારતના રાજ્યોની આર્થિક તબિયતને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લાલબત્તી ધરી છે. વિકાસકામો અને નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાજ્ય સરકારો હવે કેન્દ્રના ટેકાને બદલે ખુલ્લા બજારમાંથી અબજો રૂપિયાની ઉધારી (Market Borrowing) કરી રહી છે. રિપોર્ટ મુજબ, રાજ્યોની કુલ ખાધનો 76 ટકા હિસ્સો હવે દેવા દ્વારા પૂરો કરવામાં આવે છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યોનું અર્થતંત્ર ધીમે ધીમે દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યું છે, જે લાંબા ગાળે આર્થિક સ્થિરતા માટે જોખમી સાબિત થઈ શકે છે.

દેવું કરવામાં દક્ષિણ ભારતનું તમિલનાડુ અને પશ્ચિમ ભારતનું મહારાષ્ટ્ર રેકોર્ડબ્રેક 1.23 લાખ કરોડની ઉધારી સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે. બીજી તરફ, ગુજરાતની વાત કરીએ તો રાજ્ય પર 4.67 લાખ કરોડનું દેવું છે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાતનો ડેબ્ટ ટુ જીએસડીપી (Debt-to-GSDP) રેશિયો 20 ટકાની આસપાસ જળવાયેલો છે, જે અન્ય મોટા રાજ્યોની સરખામણીએ ઘણો સંતુલિત માનવામાં આવે છે. મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યો પણ વિકાસની દોડમાં દેવાનો બોજ સતત વધારી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

આ આંકડાકીય માયાજાળ વચ્ચે ઉત્તર પ્રદેશે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. એક સમયે દેવામાં ડૂબેલા યુપીએ પોતાની ઉધારીમાં તોતિંગ ઘટાડો કર્યો છે. વર્ષ 2023-24 માં 49,618 કરોડનું દેવું લેનાર ઉત્તર પ્રદેશે ગત વર્ષે માત્ર 4,500 કરોડની જ ઉધારી કરી છે. બિહાર અને પંજાબ જેવા રાજ્યોએ પણ બજારમાંથી નાણાં લેવામાં સંયમ રાખ્યો છે. આ રાજ્યોએ ખર્ચમાં કાપ અને મહેસૂલી આવક વધારીને દેવાના બોજને હળવો કરવાની સફળ વ્યૂહરચના અપનાવી હોય તેમ લાગી રહ્યું છે.

નિષ્ણાતોના મતે, માર્ચ 2026 સુધીમાં રાજ્યોનું કુલ દેવું જીડીપીના 29.2 ટકા સુધી પહોંચવાની આશંકા છે. ચિંતાની વાત એ છે કે કેરળ અને તેલંગાણા જેવા રાજ્યો 35 વર્ષ સુધીના લાંબા ગાળાના બોન્ડ જારી કરીને નાણાં ઉઘરાવી રહ્યા છે, જેનો બોજ ભવિષ્યની પેઢી પર આવશે. જોકે, બોન્ડ પરના વ્યાજ દરમાં થયેલો સામાન્ય ઘટાડો (7.5% થી ઘટીને 7.2%) થોડી રાહત આપે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી બજેટમાં રાજ્યો આ દેવાના પહાડને ઓગાળવા માટે કેવા કડક પગલાં ભરે છે.

(11:11 AM IST)