<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

પદ્મ પુરસ્કાર અને કમળનું કનેક્શન: જાણો સન્માન પાછળનો ગૂઢ આધ્યાત્મિક અર્થ

માત્ર મેડલ નહીં પણ તપસ્યાનું પ્રતીક છે આ એવોર્ડ: કીચડમાં ખીલેલા કમળ જેવી શુદ્ધતા અને નિસ્વાર્થ સેવાનો પર્યાય એટલે પદ્મ સન્માન

નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં 'પદ્મ' શબ્દ એ માત્ર એક સંજ્ઞા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની હજારો વર્ષ જૂની ચેતનાનો પડઘો છે. દર વર્ષે જ્યારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં દેશના ગુમનામ નાયકોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ કે પદ્મ શ્રીથી નવાજવામાં આવે છે, ત્યારે તે માત્ર તેમની સિદ્ધિનું સન્માન નથી હોતું, પણ તેમના જીવનની એ 'કમળ' જેવી નિર્લેપતાનું સન્માન હોય છે. સંસ્કૃતમાં 'પદ્મ' એટલે કમળ, જે ભારતીય અધ્યાત્મમાં જ્ઞાન, પવિત્રતા અને વૈરાગ્યનું સર્વોચ્ચ શિખર માનવામાં આવે છે.

કમળની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કાદવમાં ખીલે છે છતાં કાદવ તેને સ્પર્શી શકતો નથી. પદ્મ પુરસ્કાર વિજેતાઓનું જીવન પણ કંઈક આવું જ હોય છે; તેઓ સમાજની અનેક વિષમતાઓ અને સાંસારિક કઠિનાઈઓ વચ્ચે રહીને પણ પોતાની સેવાના સુગંધથી વાતાવરણને પવિત્ર કરે છે. જે રીતે કમળ પાણીમાં રહીને પણ તેનાથી અલિપ્ત રહે છે, તેમ આ વિભૂતિઓ પ્રસિદ્ધિની ઝાકઝમાળ અને મોહ-માયાથી દૂર રહીને નિસ્વાર્થ ભાવે માનવતાની સેવા કરે છે. આ પુરસ્કારનું ચિહ્ન પણ કમળ આકારનું હોવા પાછળનું આ જ મૂળભૂત કારણ છે.

આ પુરસ્કારોના ઈતિહાસ પર નજર કરીએ તો, તેની સ્થાપના 2 જાન્યુઆરી 1954ના રોજ થઈ હતી. પ્રારંભમાં તેને 'પહેલો વર્ગ', 'બીજો વર્ગ' અને 'ત્રીજો વર્ગ' તરીકે ઓળખવામાં આવતા હતા, પરંતુ 8 જાન્યુઆરી 1955ના રોજ તેનું નામકરણ બદલીને તેને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી કરવામાં આવ્યું. માં સરસ્વતી અને માં લક્ષ્મીનું આસન પણ કમળ છે, જે એ વાતનો નિર્દેશ કરે છે કે જ્યાં જ્ઞાન અને સમૃદ્ધિની સાથે વિનમ્રતા અને પવિત્રતાનો સંગમ થાય છે, ત્યાં જ સાચી મહાનતાનો વાસ હોય છે.

શ્રીમદ ભગવદ ગીતાનો "કર્મણ્યેવાધિકારસ્તે..." નો સંદેશ કમળના જીવનમાં અને આ પુરસ્કાર વિજેતાઓના કર્મમાં અદભૂત રીતે ચરિતાર્થ થાય છે. ફળની આશા વગર અને કોઈ પણ પ્રકારના દેખાડા વગર રાષ્ટ્રના નિર્માણમાં જોડાયેલા આ 'પદ્મ' સમાન નાયકો સાબિત કરે છે કે સાચી પૂજા એ જ છે જે લોકકલ્યાણ માટે કરવામાં આવે. જ્યારે કોઈ ગ્રામીણ કલાકાર કે સમાજસેવક આ સન્માન સ્વીકારે છે, ત્યારે તે સાબિત થાય છે કે પદ્મ સન્માન એ એવા ખીલેલા પુષ્પોનું સન્માન છે જેમણે પોતાની સુવાસથી ભારત માતાના ચરણોને પવિત્ર કર્યા છે.

(11:29 AM IST)