<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

મેક્સિકોમાં લોહીની હોળી: ફૂટબોલ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, 11 લોકોના મોત

રમતનું મેદાન સ્મશાનમાં ફેરવાયું: સશસ્ત્ર ગેંગે સ્ટેડિયમમાં મશીનગનથી ગોળીઓનો વરસાદ કરતા મચી ગઈ ભારે નાસભાગ, નરસંહારથી સમગ્ર દેશમાં રોષ અને ફફડાટ

મેક્સિકો સિટી: મેક્સિકોના ગુઆનાહુઆતો રાજ્યમાં રવિવારે રમતગમતના ઉત્સાહ વચ્ચે કાળમુખી હિંસા ત્રાટકી હતી. લોમા દે ફ્લોરેસ વિસ્તારમાં જ્યારે સ્થાનિક ફૂટબોલ મેચ રમાઈ રહી હતી, ત્યારે અચાનક સશસ્ત્ર હુમલાખોરોએ મેદાનમાં ઘૂસી જઈ પ્રેક્ષકો અને ખેલાડીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ભયાનક નરસંહારમાં અત્યાર સુધીમાં 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે લોહીલુહાણ થયા છે. ગોળીબાર થતા જ મેદાનમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી, પરંતુ ક્રૂર હુમલાખોરોએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું હતું.

આ હિંસક હુમલાની તીવ્રતા એટલી ભયાનક હતી કે 10 લોકોએ તો મેદાન પર જ અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિક મેયરની કચેરીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે હજુ પણ ઘણા ઘાયલોની હાલત અત્યંત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની પૂરેપૂરી આશંકા છે. ઘટનાને પગલે આખા વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને પોલીસ તેમજ સેનાની સંયુક્ત ટુકડીઓએ હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુઆનાહુઆતો રાજ્ય લાંબા સમયથી ડ્રગ કાર્ટેલ અને સ્થાનિક ગેંગો વચ્ચેના વર્ચસ્વની લડાઈનું કેન્દ્ર રહ્યું છે. આ લોહિયાળ હુમલાના ગણતરીના કલાકો પહેલા જ આ જ શહેરમાંથી માનવ અવશેષો ભરેલા ચાર શંકાસ્પદ થેલાઓ મળી આવ્યા હતા, જે વિસ્તારમાં વ્યાપેલી અરાજકતાનો પુરાવો આપે છે. તપાસ એજન્સીઓને પ્રબળ આશંકા છે કે આ નરસંહાર પાછળ કોઈ શક્તિશાળી ડ્રગ માફિયા ગેંગનો હાથ હોઈ શકે છે, જેમણે પોતાનો ખોફ ફેલાવવા માટે આ રમત ગમતના કાર્યક્રમને નિશાન બનાવ્યો છે.

મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબૌમે તાજેતરમાં જ દેશમાં ગુનાખોરીનો દર ઘટ્યો હોવાના દાવા કર્યા હતા, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. રમતગમતના મેદાન પર થયેલી આ લોહિયાળ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવ્યો છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલમાં સેના અને નેશનલ ગાર્ડ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી એક પણ હુમલાખોર પોલીસના હાથે ઝડપાયો નથી.

(11:42 AM IST)