હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં વિમાન બન્યું અગનગોળો: ટેકઓફ સાથે જ પ્રાઈવેટ જેટ ક્રેશ, 8ના મોતની આશંકા
મેન સ્ટેટના બેંગર એરપોર્ટ પર સર્જાયો ભયાનક અકસ્માત: તોફાની હવામાન વચ્ચે બોમ્બાર્ડિયર જેટમાં ભીષણ આગ ફાટી નીકળી, લો ફર્મના માલિકો સવાર હોવાની ચર્ચા

વોશિંગ્ટન: અમેરિકાના મેન રાજ્યમાં રવિવારે સાંજે એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના સર્જાઈ છે. બેંગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહેલું એક ખાનગી જેટ ટેકઓફની ગણતરીની સેકન્ડોમાં જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક સમય મુજબ સાંજે 7:45 કલાકે બનેલી આ ઘટનામાં વિમાનમાં સવાર આઠેય લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે વિમાન જમીન પર પટકાતા જ એટલી ભીષણ આગ લાગી હતી કે આખું એરપોર્ટ ધ્રૂજી ઉઠ્યું હતું.
દુર્ઘટનાગ્રસ્ત વિમાન 'બોમ્બાર્ડિયર ચેલેન્જર 600' શ્રેણીનું ટ્વિન-એન્જિન જેટ હતું, જે ટેક્સાસની એક જાણીતી લો ફર્મ 'અર્નોલ્ડ એન્ડ ઇટકિન' ના નામે નોંધાયેલું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન હજુ તો રનવે પરથી આકાશમાં ઊંચકાયું જ હતું ત્યાં એન્જિનના ભાગમાં ધડાકો થયો અને જોતજોતામાં વિમાન નીચે ખાબક્યું હતું. દુર્ઘટના બાદ જ્વાળાઓ એટલી ઊંચી હતી કે કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી. વિમાન માત્ર છ વર્ષ જૂનું હોવા છતાં આ પ્રકારની ટેકનિકલ ખામી સર્જાતા સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે.
અકસ્માત પાછળ હવામાન એક મોટું કારણ હોઈ શકે તેમ માનવામાં આવી રહ્યું છે. જે સમયે આ ઘટના બની ત્યારે બેંગર શહેરમાં બરફવર્ષા થઈ રહી હતી અને સમગ્ર વિસ્તાર 'વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ' હેઠળ હતો. જોકે, એરપોર્ટ સત્તાવાળાઓએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે પાયલોટની ભૂલ હતી, ટેકનિકલ ખામી કે પછી બરફીલા તોફાનને કારણે વિમાન કાબૂ બહાર ગયું હતું. હાલમાં એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચાલુ છે અને તમામ 8 મુસાફરોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તપાસ ટીમ વિમાનના બ્લેક બોક્સને શોધીને એ જાણવાનો પ્રયાસ કરશે કે છેલ્લી ક્ષણોમાં કોકપિટમાં શું વાતચીત થઈ હતી. આ દુર્ઘટનાએ અમેરિકામાં પ્રાઈવેટ ચાર્ટર વિમાનોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. જ્યાં સુધી તપાસનો વિગતવાર રિપોર્ટ સામે ન આવે ત્યાં સુધી મુસાફરોની સ્થિતિ વિશે સત્તાવાર માહિતી મળવી મુશ્કેલ છે, પરંતુ ઘટનાની ગંભીરતા જોતા કોઈ પણ જીવિત બચ્યું હોય તેવી શક્યતા નહિવત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
