હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુદ્ધવિરામનો 'માસ્ટર પ્લાન': રશિયા-યુક્રેન જંગ હવે અંતિમ ચરણમાં? ઝેલેન્સ્કીનો મોટો ધડાકો
અબુધાબીમાં રચાશે ઈતિહાસ: અમેરિકાની મધ્યસ્થીથી તૈયાર થયો સુરક્ષાનો અભેદ દસ્તાવેજ, 1 ફેબ્રુઆરીએ હસ્તાક્ષર સાથે શાંતિની નવી સવાર થવાની પ્રબળ આશંકા

કીવ: વિશ્વભરમાં તબાહી અને આર્થિક કટોકટી સર્જનાર રશિયા-યુક્રેન યુદ્ધ હવે તેના અંતિમ પડાવ પર હોય તેમ લાગી રહ્યું છે. યુક્રેનિયન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક સનસનાટીપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, અમેરિકા સાથેનો સુરક્ષા ગેરંટીનો દસ્તાવેજ હવે આખરી ઓપ લઈ ચૂક્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ લોહિયાળ જંગને રોકવા માટે પડદા પાછળ ચાલી રહેલી રાજદ્વારી ગતિવિધિઓ હવે પરિણામ તરફ આગળ વધી રહી છે. ઝેલેન્સ્કીના મતે, આ માત્ર એક કાગળ નથી પરંતુ યુક્રેનના અસ્તિત્વ અને સુરક્ષાની લેખિત ખાતરી છે, જેમાં હવે માત્ર સહી-સિક્કાની જ વાર છે.
આ મહાસંગ્રામને વિરામ આપવા માટે આગામી રવિવાર એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુધાબીમાં હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં અમેરિકા મધ્યસ્થી તરીકે નિર્ણાયક ભૂમિકા ભજવશે. લિથુઆનિયાની ધરતી પરથી હકારાત્મક સંકેત આપતા ઝેલેન્સ્કીએ કહ્યું કે, મોટાભાગના વિવાદિત મુદ્દાઓ પર સહમતી સધાઈ ગઈ છે. જો અબુધાબીની બેઠકમાં બાકી રહેલી ટેકનિકલ બાબતો ઉકેલાઈ જશે, તો વિશ્વ એક ઐતિહાસિક શાંતિ કરારનું સાક્ષી બનશે, જે વૈશ્વિક શેરબજારથી લઈને ક્રૂડ ઓઈલના ભાવો સુધી મોટી અસર કરી શકે છે.
કરારની પ્રક્રિયા વિશે વિગતો આપતા ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, એકવાર અબુધાબીમાં સહમતી સધાયા બાદ આ દસ્તાવેજને અમેરિકા અને યુક્રેન બંને દેશોની સંસદમાં મંજૂરી માટે મોકલવામાં આવશે. સંસદમાં ઠરાવ પસાર થયા બાદ બંને દેશોના રાષ્ટ્રપતિઓ તેના પર સત્તાવાર હસ્તાક્ષર કરશે. આ પ્રક્રિયા બાદ યુક્રેનને અમેરિકા તરફથી એવી સુરક્ષાની ગેરંટી મળશે, જે ભવિષ્યમાં કોઈપણ રશિયન આક્રમણ સામે તેને સુરક્ષિત રાખશે. આ સમજૂતી યુક્રેન માટે રક્ષણાત્મક કવચ સમાન સાબિત થશે, જેની માંગ તે યુદ્ધની શરૂઆતથી કરી રહ્યું હતું.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માની રહ્યા છે કે જો આ શાંતિ મંત્રણા સફળ રહેશે, તો તે માત્ર યુરોપ જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર હશે. જોકે, રશિયા આ દસ્તાવેજ અને અમેરિકાની શરતોને કેવી રીતે સ્વીકારે છે તે જોવું રસપ્રદ રહેશે. ઝેલેન્સ્કીનો આ આશાવાદ દર્શાવે છે કે રશિયા પરનું આર્થિક અને સૈન્ય દબાણ હવે તેને ટેબલ પર આવવા મજબૂર કરી રહ્યું છે. હવે આખી દુનિયાની નજર 1 ફેબ્રુઆરી પર ટકેલી છે, શું ખરેખર વર્ષોથી ચાલતું આ ભીષણ યુદ્ધ શાંત થશે કે પછી કોઈ નવો વળાંક આવશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
