હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ક્રિકેટના 'ભીષ્મ પિતામહ' આઈ.એસ. બિન્દ્રાનું નિધન: ભારતીય ક્રિકેટમાં એક યુગનો અંત
BCCIને વિશ્વનું સૌથી અમીર બોર્ડ બનાવનારા દ્રષ્ટા વહીવટકર્તાએ 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ: જગમોહન દાલમિયા સાથે મળીને 1987માં વર્લ્ડ કપની યજમાની ભારત લાવી બદલ્યો હતો ઈતિહાસ: આજે અંતિમ સંસ્કારઃ ૧૯૯૩ થી ૧૯૯૬ સુધી પ્રમુખ રહેલ મોટું યોગદાન આપ્યુ હતું

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનાવવામાં જેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે, તેવા પૂર્વ અધ્યક્ષ ઇન્દ્રજીત સિંહ બિન્દ્રા (આઈ.એસ. બિન્દ્રા) નું 84 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. રવિવારે દિલ્હી સ્થિત નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી રમતગમત જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પંજાબ કેડરના નિવૃત્ત IAS અધિકારી બિન્દ્રાએ માત્ર વહીવટ જ નહીં, પણ ભારતીય ક્રિકેટના માળખાને આધુનિક બનાવવામાં પાયાની ઈંટ મૂકી હતી.
આઈ.એસ. બિન્દ્રાના કાર્યકાળને ભારતીય ક્રિકેટનો 'ટર્નિંગ પોઈન્ટ' માનવામાં આવે છે. 1993થી 1996 દરમિયાન BCCIના પ્રમુખ તરીકે તેમણે ક્રાંતિકારી નિર્ણયો લીધા હતા. ખાસ કરીને જગમોહન દાલમિયા સાથેની તેમની જોડીએ ક્રિકેટના ટેલિવિઝન રાઈટ્સની બજારને એવી રીતે ખોલી કે જેણે BCCIની તિજોરી ભરી દીધી. 1987માં વનડે વર્લ્ડ કપને ઈંગ્લેન્ડની બહાર પહેલીવાર ભારત લાવવામાં તેમનું યોગદાન અતુલ્ય હતું. તેમણે જ ભારતને વિશ્વ ક્રિકેટનું પાવર હાઉસ બનવાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો, જેના કારણે આજે ભારત વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.
માત્ર વહીવટ જ નહીં, પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ તેમની દ્રષ્ટિ અદભૂત હતી. મોહાલીમાં આજે જે વિશ્વકક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ ઉભું છે, તે તેમના અથાક પ્રયત્નોનું પરિણામ છે. આ સ્ટેડિયમને આજે સન્માનપૂર્વક તેમના નામ સાથે જોડવામાં આવ્યું છે. 1978થી 2014 સુધી પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે તેમણે અનેક યુવા પ્રતિભાઓને મંચ પૂરું પાડ્યું હતું. તેમની આદત હતી કે તેઓ હંમેશા પરંપરાગત રીતોથી ઉપર ઉઠીને કંઈક નવું વિચારતા, જેના કારણે ભારતીય ક્રિકેટમાં પ્રોફેશનલિઝમનો પ્રવેશ થયો.
તેમના અંતિમ સંસ્કાર સોમવારે બપોરે દિલ્હીના લોધી સ્મશાન ઘાટ પર કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના સ્પેશિયલ સેક્રેટરી રહી ચૂકેલા બિન્દ્રાએ વહીવટી તંત્ર અને રમત જગત વચ્ચે જે સેતુ બાંધ્યો હતો તે અજોડ છે. તેમના નિધન પર ક્રિકેટરો અને બોર્ડના સભ્યોએ શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું કે, આજે ભારતીય ક્રિકેટ જે ઉંચાઈ પર છે તેનો પાયો બિન્દ્રા સાહેબે નાખ્યો હતો. તેમના જવાથી ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
