હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોલકાતામાં રાજકીય રણસંગ્રામ: TMC-BJP આમને-સામને, પથ્થરમારો અને આગચંપીથી રણમેદાન જેવી સ્થિતિ
માઇક્રોફોન વગાડવાના નજીવા વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ: સખેરબજારમાં ભાજપના મંચને ફૂંકી મરાયો, ધારાસભ્ય રત્ના ચેટર્જી અને સુકાંત મજુમદાર વચ્ચે શાબ્દિક યુદ્ધથી બંગાળનું રાજકારણ ગરમાયું: ભાજપના કાર્યક્રમ સ્થળે ટીએમસીએ પોતાના ઝંડા લગાવતા તોડફોડ શરૂ થયેલઃ ભારે હંગામો

કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના સખેરબજાર વિસ્તારમાં રવિવારે સાંજે લોકશાહીના નામે લડાઈ રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો વચ્ચે ભીષણ અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. એક સ્થાનિક ક્લબમાં માઈક્રોફોનના ઉપયોગ જેવી સામાન્ય બાબત પર શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારો અને આગચંપી સુધી પહોંચી ગયો હતો. બંને પક્ષના સમર્થકોએ એકબીજા પર હુમલો કરતા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ સ્થિતિ પર કાબૂ મેળવવો પડ્યો હતો.
ભાજપના નેતાઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે જ્યારે તેમની બેઠક ચાલી રહી હતી ત્યારે ટીએમસી કાર્યકરોએ જોરશોરથી ગીતો વગાડીને જાણી જોઈને અવરોધ ઊભો કર્યો હતો. આ વિવાદ વધતા ભાજપના મંચ પર આગ લગાવી દેવામાં આવી હતી, જેનાથી સ્થિતિ વધુ વણસી હતી. ઉલ્લેખનીય છે કે, આ જ મંચ પરથી થોડા કલાકો પહેલા ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબે જનસભાને સંબોધિત કરી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની ટીમોએ કલાકો સુધી મથામણ કરવી પડી હતી. તો બીજી તરફ ટીએમસી ધારાસભ્ય રત્ના ચેટર્જીએ ભાજપના સમર્થકો પર ક્લબના સભ્યો સાથે ગેરવર્તન કરવાનો વળતો આક્ષેપ કર્યો છે.
આ હિંસક ઘટના બાદ પશ્ચિમ બંગાળનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે અને ટીએમસીના અત્યાચારે તમામ હદ વટાવી દીધી છે. સામે પક્ષે રત્ના ચેટર્જીએ પણ આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી હતી કે ભાજપ જેટલી હિંસા ફેલાવશે, ટીએમસી એટલું જ કડક વલણ અપનાવશે. બંને પક્ષો વચ્ચેની આ લડાઈ હવે વર્ચસ્વની જંગ બની ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
હિંસાની સમાંતર, બંગાળમાં હવે મતદાર યાદીના મુદ્દે પણ નવો મોરચો ખૂલ્યો છે. ટીએમસીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેલીઓ કાઢીને માંગ કરી છે કે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પછી જે નવી યાદી આવે તેમાં તમામ પાત્ર મતદારોના નામ હોવા જોઈએ. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપીને પારદર્શિતાનો દાવો કર્યો છે, પરંતુ જમીની સ્તરે કાર્યકરો વચ્ચેના ઘર્ષણે લોકશાહીના આ પર્વને હિંસાના રંગે રંગી દીધું છે. કોલકાતાની આ હિંસા આવનારી ચૂંટણીઓ પહેલા મોટા તોફાનના એંધાણ આપી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
