હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બજેટ 2026: ભાડૂઆતો અને ઘર ખરીદનારાઓ માટે સરકાર ખોલશે ખુશીઓનો ખજાનો
મધ્યમ વર્ગને મળશે મોંઘવારીમાંથી મોટી રાહત: નેશનલ રેન્ટલ હાઉસિંગ મિશનની ભલામણ અને હોમ લોન વ્યાજમાં રૂ. 5 લાખ સુધીની કરમુક્તિની તૈયારીથી રિયલ એસ્ટેટમાં આવશે તેજી

નવી દિલ્હી: આગામી બજેટ 2026 મધ્યમ વર્ગના પરિવારો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ ભાડાના મકાનમાં રહે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની દિગ્ગજ સંસ્થા CREDAI એ નાણા મંત્રાલય સમક્ષ 'નેશનલ રેન્ટલ હાઉસિંગ મિશન' શરૂ કરવાનો ક્રાંતિકારી પ્રસ્તાવ મૂક્યો છે. આ મિશનનો હેતુ શહેરોમાં વધતા સ્થળાંતરને પહોંચી વળવા માટે સંગઠિત અને પરવડે તેવા ભાડાના મકાનોનો સ્ટોક ઊભો કરવાનો છે. જો સરકાર આ દરખાસ્ત સ્વીકારે છે, તો ડેવલપર્સ અને ભાડૂઆતો બંનેને ટેક્સમાં મોટી છૂટછાટ મળી શકે છે, જે સીધી રીતે તમારા માસિક બજેટ પર હકારાત્મક અસર કરશે.
શહેરોમાં ઘરનું ઘર ખરીદવું એ એક મોટું સપનું છે, પરંતુ વધતી જતી જમીનની કિંમતોએ તેને મુશ્કેલ બનાવ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, CREDAI એ 'પરવડે તેવા મકાનો' (Affordable Housing) ની વર્ષો જૂની વ્યાખ્યા બદલવાની માંગ કરી છે. હાલમાં ₹45 લાખ સુધીના ઘરને જ સસ્તું ગણવામાં આવે છે, જે આજના સમયમાં મેટ્રો શહેરોમાં અપ્રસ્તુત છે. પ્રસ્તાવ મુજબ, આ મર્યાદા દૂર કરી કાર્પેટ એરિયા વધારવામાં આવે તો સામાન્ય નાગરિકોને માત્ર 1% GSTનો લાભ મળશે. આ પગલું મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓ માટે બજારમાં નવા વિકલ્પો ખોલશે.
બજેટમાં સૌથી મોટી ભેટ હોમ લોન લેનારાઓ માટે હોઈ શકે છે. CREDAI એ ભલામણ કરી છે કે હોમ લોનના વ્યાજ પર મળતી કર મુક્તિની મર્યાદા વર્તમાન ₹2 લાખથી વધારીને સીધી ₹5 લાખ કરવામાં આવે. આ ઉપરાંત, ટિયર-1 અને ટિયર-2 શહેરોમાં સંગઠિત ભાડા બજારને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય રાહતોની પણ માંગ કરવામાં આવી છે. આનાથી માત્ર ગેરકાયદેસર વસાહતો પર અંકુશ આવશે એટલું જ નહીં, પણ નોકરી માટે સ્થળાંતર કરતા કાર્યબળને સુરક્ષિત અને સસ્તું રહેઠાણ પણ ઉપલબ્ધ થશે.
CREDAI ના પ્રમુખ શેખર પટેલે ભાર મૂક્યો છે કે મજબૂત ભાડા ઇકોસિસ્ટમનું નિર્માણ એ સમયની તાતી જરૂરિયાત છે. જો બજેટમાં આ માંગણીઓ સંતોષાય છે, તો મોટા અને સુવિધાજનક ઘરો પણ સસ્તા વર્ગમાં આવશે, જેનાથી મધ્યમ વર્ગના ખિસ્સા પરનું ભારણ ઘટશે. આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રિયલ એસ્ટેટ ક્ષેત્રને બૂસ્ટ આપવા માટે આ રાહતોની જાહેરાત કરે છે કે કેમ તેના પર કરોડો ભાડૂઆતો અને ઘર ખરીદનારાઓની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
