હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બસ્તરમાં બુલેટ પર બેલેટનો વિજય: 41 ગામોમાં આઝાદીના 78 વર્ષે પહેલીવાર લહેરાયો તિરંગો
માઓવાદીઓના 'રેડ ટેરર'નો અંત અને લોકશાહીનો સૂર્યોદય: સુરક્ષા દળોના શૌર્યથી લાલ આતંકના ગઢમાં ગુંજ્યું 'જન ગણ મન', રાષ્ટ્રીય મુખ્યધારામાં જોડાયા છેવાડાના આદિવાસીઓ

રાયપુર: છત્તીસગઢના બસ્તરના દુર્ગમ વિસ્તારોમાંથી આજે લોકશાહીના વિજયના એક ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. દાયકાઓ સુધી માઓવાદીઓના ભય અને સમાંતર શાસન નીચે દબાયેલા બસ્તર વિભાગના 41 ગામોમાં આઝાદી પછી આજે 77મા પ્રજાસત્તાક પર્વે પહેલીવાર સત્તાવાર રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. આ એ ગામો છે જ્યાં અત્યાર સુધી ભારતીય બંધારણની વાતો કરવી એ મોતને વહાલું કરવા સમાન હતું, પરંતુ આજે ત્યાંના આદિવાસીઓના ચહેરા પર ગૌરવ અને આઝાદીનો અસલી આનંદ જોવા મળી રહ્યો છે.
બસ્તર રેન્જના આઈજી સુંદરરાજના જણાવ્યા અનુસાર, નારાયણપુર, બીજાપુર અને સુકમા જિલ્લાના આ ગામોને સુરક્ષા દળોએ લોહી અને પરસેવો વહાવીને માઓવાદી મુક્ત કર્યા છે. છેલ્લા કેટલાક સમયમાં સ્થાપવામાં આવેલા નવા સુરક્ષા કેમ્પોએ આદિવાસીઓમાં સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં 13 ગામો જોડાયા હતા અને હવે વધુ 41 ગામો ઉમેરાતા કુલ 54 ગામો એવા બન્યા છે જ્યાં પહેલીવાર રાષ્ટ્રીય પર્વ મનાવાયો છે. લાલ આતંકના ખૌફને માત આપીને તિરંગો લહેરાવવો એ સુરક્ષા દળોની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
માઓવાદી નેતાઓને નબળા પાડ્યા બાદ રાજ્ય સરકારની 'નિયદ નેલ્લાનાર' (તમારું સારું ગામ) યોજનાએ અહીં પરિવર્તનની લહેર લાવી દીધી છે. જે ગામોમાં ક્યારેય રસ્તા, શાળા કે હોસ્પિટલના દર્શન થયા નહોતા, ત્યાં હવે વિકાસના કિરણો પહોંચી રહ્યા છે. ગ્રામજનો હવે માઓવાદીઓના દબાણ વગર શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. આ પરિવર્તન એ વાતની સાબિતી છે કે બુલેટના જોરે વિચારધારા લાદનારાઓ સામે આખરે કલમ અને બંધારણનો વિજય થયો છે.
આજના પાવન અવસરે રાજ્યપાલ રમન ડેકા અને મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ દ્વારા સમગ્ર રાજ્યમાં દેશભક્તિનો માહોલ સર્જવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય મથકોએ ભવ્ય પરેડ યોજાઈ રહી છે, પરંતુ સાચું સન્માન બસ્તરના એ છેવાડાના ગામોમાં છે જ્યાં આજે એક આખખી પેઢીએ પહેલીવાર તિરંગાને સલામી આપી છે. આ 41 ગામો માટે આ માત્ર એક તારીખ નથી, પરંતુ રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડાવાનો એક નવો અવતાર છે, જે દર્શાવે છે કે અંધકાર ભલે ગમે તેટલો ગાઢ હોય, લોકશાહીનો ઉજાસ તેને હટાવીને જ રહે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
