હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતીમાં રોડા નાખનારા ‘ઘરના જ ભેદી’ બે મોટા નેતાઓના નામનો ઘટસ્ફોટ: સેનેટર ટેડ ક્રૂઝનો ઓડિયો લીક થતા અમેરિકાના રાજકારણમાં ભૂકંપ

વોશિંગ્ટન: અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી અટવાયેલી વ્યાપાર સમજૂતી (ટ્રેડ ડીલ) અંગે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જેના કારણે અમેરિકન રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં સામે આવેલા એક લીક ઓડિયો ક્લિપમાં અમેરિકન સેનેટર ટેડ ક્રૂઝે સ્વીકાર્યું છે કે ભારત સાથેના સંબંધો અને વેપાર ડીલમાં વિલંબ માટે બીજું કોઈ નહીં પણ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના જ બે ટોચના નેતાઓ જવાબદાર છે.
એક્સિઓસના અહેવાલ અને લીક થયેલા ઓડિયો મુજબ, ટેડ ક્રૂઝે પાર્ટીના ડોનર્સ સાથેની ખાનગી વાતચીતમાં વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ઉપપ્રમુખ જેડી વેન્સને આ ડીલના મુખ્ય 'વિલન' તરીકે ગણાવ્યા છે.
આ સનસનીખેજ ખુલાસા મુજબ, ભારત અને અમેરિકા વચ્ચે એક સમયે અત્યંત નજીક મનાતી વ્યાપારિક સમજૂતી છેલ્લા પાંચેક મહિનાથી કોઈ પણ તાર્કિક અંત વિના લટકી રહી છે. તેનું મુખ્ય કારણ ટ્રમ્પ સરકાર દ્વારા ભારતથી આવતી કેટલીક પ્રોડક્ટ્સ પર ઝીંકવામાં આવેલો પચાસ ટકા જેટલો તોતિંગ ટેરિફ (જકાત) છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલી વાટાઘાટો હજુ સુધી કોઈ પરિણામ પર પહોંચી નથી.
ટેડ ક્રૂઝે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઈઝર પીટર નવારો અને વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની ભારત વિરોધી નીતિઓ અને અવરોધોને કારણે આ સમજૂતી પતંગે ચડી છે. આ બંને નેતાઓ અગાઉ પણ ભારત વિરોધી નિવેદનો કરી ચૂક્યા છે અને રશિયા સાથેના ભારતના સંબંધોને લઈને પણ ટીકા કરી ચૂક્યા છે.
લીક થયેલા ઓડિયોમાં સૌથી ચિંતાજનક બાબત ૨૦૨૬ની મધ્યવર્તી (મિડ-ટર્મ) ચૂંટણીઓને લઈને છે. સેનેટર ક્રૂઝે ટ્રમ્પ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભારત જેવા મિત્ર દેશો પર ટેરિફ વધારવામાં આવશે, તો તેની સીધી અસર અમેરિકાના અર્થતંત્ર પર પડશે. ટેરિફ વધવાથી અમેરિકામાં મોંઘવારી વધશે અને ચીજવસ્તુઓની કિંમતો આસમાને પહોંચશે. ક્રૂઝે ભીતિ વ્યક્ત કરી છે કે જો મોંઘવારી કાબૂમાં નહીં આવે, તો વર્ષ ૨૦૨૬માં યોજાનારી મધ્યવર્તી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડી શકે છે. જોકે, એવું મનાય છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જ પક્ષના સાંસદોની આ ચેતવણીને નજરઅંદાજ કરી દીધી છે.
એક તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના પોતાના મિત્રતાભર્યા સંબંધોની વાતો કરે છે અને ભારતને મહત્વનો ભાગીદાર ગણાવે છે, તો બીજી તરફ તેમના જ વહીવટીતંત્રની અંદર ચાલી રહેલી ખેંચતાણ ભારત માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. પીટર નવારો અને જેડી વેન્સ જેવા કટ્ટરપંથી સલાહકારોના દબાણને કારણે ટ્રમ્પ ભારત સાથેની ડીલ ફાઈનલ કરી શકતા નથી. આંતરિક વિખવાદ અને ઊંચા ટેરિફની જીદને કારણે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પણ હવે એક નવો વળાંક આવવાની શક્યતા છે.
આ ઓડિયો લીક થવાથી વોશિંગ્ટનથી લઈને દિલ્હી સુધી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે કે શું ટ્રમ્પ પોતાના જ 'ઘરના ભેદુઓ' ની સલાહ માનીને ભારત સાથેના સંબંધો બગાડશે કે પછી ચૂંટણીમાં હારના ડરથી સમાધાનનો રસ્તો કાઢશે? હાલની સ્થિતિ જોતા ૫૦ ટકા ટેરિફનો માર બંને દેશોના વ્યાપારિક સંબંધો પર મોટો ઘા કરી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
