હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૂર્યસ્ત્રનો ટંકાર: પાકિસ્તાનના શહેરોમાં બપોરે ૧૨ વાગ્યે પણ 'સૂર્યાસ્ત'નો અનુભવ કરાવી શકશે
ભારતના પ્રથમ સ્વદેશી લોંગ-રેન્જ રોકેટ લોન્ચરનું કર્તવ્ય પથ પર ઐતિહાસિક ડેબ્યૂ: ૩૦૦ કિમીની ચોકસાઈભરી 'ડીપ-સ્ટ્રાઈક' ક્ષમતાથી કરાચી અને લાહોર હવે સીધા નિશાના પર, દુશ્મનોમાં ફફડાટ

નવી દિલ્હી:આજના ૭૭મા પ્રજાસત્તાક પર્વે ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભરતા'નું એક એવું પ્રચંડ ઉદાહરણ પેશ કર્યું છે, જેણે સીમા પાર બેઠેલા દુશ્મનોની ઊંઘ ઉડાવી દીધી છે. ભારતની પ્રથમ સ્વદેશી મલ્ટી-કેલિબર લોંગ-રેન્જ રોકેટ લોન્ચર સિસ્ટમ, "સૂર્યસ્ત્ર" એ આજે કર્તવ્ય પથ પર પોતાનું શક્તિશાળી ડેબ્યૂ કર્યું છે. આ સિસ્ટમની તાકાત એટલી વિધ્વંસક છે કે તે ૩૦૦ કિલોમીટર સુધીની ઊંડાઈમાં ઘૂસીને પ્રહાર કરી શકે છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ શસ્ત્ર પાકિસ્તાનના કરાચી, લાહોર અને રાવલપિંડી જેવા મુખ્ય શહેરોને ધોળા દિવસે અંધકારમાં ડુબાડવાની ક્ષમતા ધરાવે છે.
પુણે સ્થિત NIBE લિમિટેડ દ્વારા ઇઝરાયલના સહયોગથી તૈયાર કરાયેલ સૂર્યસ્ત્ર એ ભારતની "ડીપ-સ્ટ્રાઈક ડિટરન્સ" વ્યૂહરચનાનું નવું બ્રહ્માસ્ત્ર છે. આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત તેની અચૂક ચોકસાઈ છે; પરીક્ષણોમાં તેણે પાંચ મીટરથી પણ ઓછી ત્રિજ્યામાં સચોટ પ્રહાર કરીને રડાર, એરબેઝ અને કમાન્ડ સેન્ટરોને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા સાબિત કરી છે. તેનું 'મલ્ટી-કેલિબર' આર્કિટેક્ચર તેને એક જ લોન્ચર પરથી અલગ-અલગ રેન્જના રોકેટ ફાયર કરવાની ફ્લેક્સિબિલિટી આપે છે, જે યુદ્ધના મેદાનમાં ભારતીય સેનાને અત્યંત ગતિશીલ અને ઘાતક બનાવશે.
કર્તવ્ય પથ પર જ્યારે BEML ના હાઇ-મોબિલિટી વ્હીકલ પર સવાર સૂર્યસ્ત્ર પસાર થયું, ત્યારે તે માત્ર એક શસ્ત્ર નહીં પણ ભારતની બદલાયેલી સૈન્ય વિચારધારાનું પ્રતીક હતું. પાકિસ્તાન માટે આ એક સીધો અને કડક સંદેશ છે કે ભારત હવે માત્ર રક્ષણાત્મક નહીં, પણ આક્રમક 'ડીપ-પેનિટ્રેશન' હુમલાઓમાં પણ માહેર છે. સૂર્યસ્ત્રની સાથે બ્રહ્મોસ, આકાશ અને શક્તિબાન જેવી મિસાઇલ સિસ્ટમ્સના પ્રદર્શને સાબિત કર્યું કે ભારતની વ્યૂહાત્મક ઊંડાઈ હવે પહેલા કરતા અનેકગણી મજબૂત થઈ ગઈ છે.
આ પરેડમાં સૂર્યસ્ત્ર ઉપરાંત પહેલીવાર બેક્ટ્રિયન ઊંટ અને શિકારી પક્ષીઓ જેવી વિશેષ લશ્કરી ટુકડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે, સૌની નજર તો 'સૂર્યસ્ત્ર' પર જ ટકેલી હતી, કારણ કે આ સિસ્ટમે ભારતને તે દેશોની હરોળમાં લાવી દીધું છે જેઓ અત્યાધુનિક લાંબા અંતરની આર્ટિલરી ક્ષમતા ધરાવે છે. હવે ભારતીય સેના સરહદ પાર કર્યા વગર જ દુશ્મનના કમાન્ડ સેન્ટરોને બપોરે ૧૨ વાગ્યે પણ 'સૂર્યાસ્ત'નો અનુભવ કરાવી શકશે. આ શક્તિ પ્રદર્શન નવા ભારતના આત્મવિશ્વાસની જીવતી જાગતી તસ્વીર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
