<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

રાજસ્થાનમાં આતંકી કાવતરું નિષ્ફળ: ૧૦ હજાર કિલો વિસ્ફોટકોનો જથ્થો ઝડપાયો

નાગૌરમાં સુલેમાન ખાનના ખેતરમાંથી ૯,૫૫૦ કિલો એમોનિયમ નાઈટ્રેટ અને ડેટોનેટર્સ જપ્ત: પ્રજાસત્તાક પર્વે મોટી હોનારત સર્જવાનું ષડયંત્ર હોવાની શંકાએ કેન્દ્રીય એજન્સીઓ સતર્ક

નાગૌર: પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે દેશને હચમચાવી નાખવાનું એક મોટું કાવતરું રાજસ્થાન પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. રવિવારે (૨૫ જાન્યુઆરી) નાગૌર પોલીસની સ્પેશિયલ ટીમે આંતરિક બાતમીના આધારે થાનાવાલા વિસ્તારમાં દરોડો પાડીને એક ઘરમાંથી આશરે ૧૦,૦૦૦ કિલોગ્રામ અત્યંત જોખમી વિસ્ફોટકો જપ્ત કર્યા છે. આરોપી સુલેમાન ખાને પોતાના ખેતરમાં ૧૮૭ કાર્ટનમાં ૯,૫૫૦ કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ છુપાવી રાખ્યું હતું. આટલા મોટા જથ્થામાં વિસ્ફોટકો મળતા જ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે અને આ મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસના દરોડા દરમિયાન માત્ર એમોનિયમ નાઈટ્રેટ જ નહીં, પણ બોમ્બ બનાવવા માટે જરૂરી ડેટોનેટરના ૯ કાર્ટૂન અને વાયરના અનેક બંડલો પણ મળી આવ્યા છે. પોલીસ અધિક્ષક મૃદુલ કછવાએ જણાવ્યું હતું કે, આરોપી સુલેમાન ખાન અગાઉ પણ વિસ્ફોટકોના ત્રણ કેસમાં સંડોવાયેલો છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે તે ખાણ માલિકોને ગેરકાયદેસર રીતે વિસ્ફોટકો સપ્લાય કરતો હતો, પરંતુ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ આટલો મોટો જથ્થો એકઠો કરવો એ કોઈ મોટા આતંકી કાવતરા તરફ ઈશારો કરી રહ્યો છે.

નોંધનીય છે કે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ અગાઉ દેશમાં થયેલા અનેક મોટા બોમ્બ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો છે. નવેમ્બર ૨૦૨૫માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં પણ આ જ કેમિકલનો ઉપયોગ થયો હતો. આ સિવાય ડિસેમ્બરમાં નાથદ્વારા શ્રીનાથજી પાસે ઝડપાયેલી વિસ્ફોટકોથી ભરેલી ટ્રક અને હવે નાગૌરનો આ કિસ્સો સાબિત કરે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સુલેમાનને આટલો મોટો જથ્થો કોણે આપ્યો અને તેનો અસલી ટાર્ગેટ કોણ હતું.

હાલમાં પોલીસે સુલેમાન ખાનની ધરપકડ કરી વિસ્ફોટક અધિનિયમ ૧૮૮૪ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની ગંભીરતા જોતા રાજસ્થાન પોલીસ કેન્દ્રીય તપાસ એજન્સીઓ (NIA/IB) નો પણ સંપર્ક કરી રહી છે. ૨૬મી જાન્યુઆરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસ માની રહી છે કે જો આ વિસ્ફોટકોનો સમયસર પત્તો ન લાગ્યો હોત, તો અનેક શહેરોમાં વિનાશ વેરાઈ શક્યો હોત.

(2:54 PM IST)