<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ફરજ પર શહાદત: ધ્વજવંદન દરમિયાન PSIને હાર્ટ એટેક આવતા કરુણ મોત

ઉમરગામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શોકમાં ફેરવાઈ: સલામી આપવા ઉભેલા પીએસઆઈ મોહન જાધવ અચાનક ઢળી પડ્યા, હોસ્પિટલ પહોંચતા પહેલા જ વીર અધિકારીએ અંતિમ શ્વાસ લીધા


ઉમરગા: આજે જ્યારે આખો દેશ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ખુશીઓમાં ડૂબેલો હતો, ત્યારે મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના ઉમરગામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય આબકારી વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ (PSI) મોહન ભીમા જાધવનું ધ્વજવંદન સમારોહ દરમિયાન હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે. જે હાથોથી તિરંગાને સલામી આપવાની હતી, તે જ હાથો સાથે આ જવાન જમીન પર ઢળી પડતા સમગ્ર પોલીસ બેડામાં અને વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે.
આ કરુણ ઘટના તે સમયે બની જ્યારે આબકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઉભા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, PSI મોહન જાધવ એકદમ સ્વસ્થ દેખાતા હતા, પરંતુ અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ સંતુલન ગુમાવીને પાછળની તરફ પટકાઈ પડ્યા હતા. જમીન પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી હતી. સાથી કર્મચારીઓ કઈ સમજે તે પહેલા જ કાળનો પંજો ફરી વળ્યો હતો.
ઘટના બનતા જ ત્યાં હાજર રહેલા અન્ય અધિકારીઓએ સમય સૂચકતા વાપરી મોહન જાધવને તાત્કાલિક ઉમરગાની નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમની તપાસ કરી અને તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તબીબી તપાસમાં મૃત્યુનું કારણ સાયલન્ટ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે. એક તેજસ્વી અને નિષ્ઠાવાન અધિકારીના આ રીતે અચાનક વિદાયથી તેમનો પરિવાર અને સહકર્મીઓ આઘાતમાં સરી પડ્યા છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક જાંબાઝ પોલીસકર્મીને પોતાની ફરજ બજાવતા બજાવતા અંતિમ સફર પર જતા જોઈ શકાય છે. પ્રજાસત્તાક દિવસના પવિત્ર અવસરે બનેલી આ ઘટનાએ ફરી એકવાર પોલીસ અને સુરક્ષા દળોના કામના ભારણ અને વધતા તણાવ સામે લાલબત્તી ધરી છે. PSI મોહન જાધવે ભલે આ ફાની દુનિયા છોડી દીધી હોય, પરંતુ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા કાયમ યાદ રાખવામાં આવશે.

(3:06 PM IST)