હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આતંક પર તિરંગાનો વિજય: કાશ્મીરમાં આતંકીના પિતાએ જ લહેરાવ્યો ધ્વજ
શોપિયાંમાં A++ કેટેગરીના આતંકવાદી આબિદ શેખના ઘરે ગર્વથી લહેરાયો રાષ્ટ્રધ્વજ: લાલ ચોક પર હજારોની મેદની વચ્ચે 'નવા કાશ્મીર'નો ઉદય, પાકિસ્તાનના નાપાક મનસૂબાઓ પર દેશભક્તિનો પ્રહાર

શ્રીનગર: ૭૭મા પ્રજાસત્તાક પર્વે જમ્મુ-કાશ્મીરમાંથી એક એવી તસવીર સામે આવી છે જેણે આખા દેશનું દિલ જીતી લીધું છે અને આતંકવાદના આકાઓને જોરદાર તમાચો માર્યો છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રહેતા મોસ્ટ વોન્ટેડ A++ શ્રેણીના આતંકવાદી આબિદ રમઝાન શેખના પિતાએ આજે પોતાના ઘરની છત પર ગર્વ સાથે તિરંગો લહેરાવ્યો હતો. જે પુત્રએ દેશ વિરુદ્ધ હથિયાર ઉપાડ્યા છે, તે જ પુત્રના આંગણે પિતા દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવાની આ ઘટના કાશ્મીરમાં બદલાતા વિચાર અને આતંકવાદના અંતની જીવતી જાગતી સાક્ષી પૂરી રહી છે.
ઘણીવાર હિંસા અને પથ્થરમારા માટે જાણીતા રહેલા શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક પર આજે નવો ઇતિહાસ રચાયો હતો. અહીં હજારોની સંખ્યામાં સ્થાનિક કાશ્મીરીઓ અને પ્રવાસીઓએ એકઠા થઈને પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. એક સમયે જ્યાં તિરંગો લહેરાવવો પડકાર માનવામાં આવતો હતો, ત્યાં આજે 'ભારત માતા કી જય'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. લાલ ચોકનો ખૂણેખૂણો કેસરી, સફેદ અને લીલા રંગથી ઝળહળી ઉઠ્યો હતો, જે સ્પષ્ટ સંકેત છે કે કાશ્મીરની જનતા હવે બંદૂકની ગોળીથી નહીં પણ વિકાસ અને લોકશાહીના માર્ગે ચાલવા મક્કમ છે.
જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને સુરક્ષા દળો દ્વારા રાજ્યને આતંકવાદ મુક્ત કરવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ઓલ આઉટ'ની સીધી અસર હવે જમીની સ્તરે જોવા મળી રહી છે. આતંકવાદીઓના પરિવારોમાં પણ હવે જાગૃતિ આવી છે અને તેઓ સમજી ગયા છે કે આતંકનો માર્ગ માત્ર વિનાશ જ લાવે છે. સુરક્ષા દળોએ સરહદથી લઈને અંદરના વિસ્તારો સુધી અભેદ કિલ્લેબંધી કરી હતી, જેના કારણે આતંકવાદીઓના તમામ મનસૂબાઓ ધૂળમાં મળી ગયા હતા. દરેક ઈંચ પર બાજ નજર રાખી રહેલા જવાનોએ સુનિશ્ચિત કર્યું કે સામાન્ય નાગરિકો નિર્ભય બનીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી શકે.
આજના આ ઉત્સવમય વાતાવરણે દુનિયાને અને ખાસ કરીને ભારતના દુશ્મનોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાશ્મીર હવે ડરના ઓછાયામાં નથી. લાલ ચોક પર લહેરાતો તિરંગો અને આતંકવાદીના ઘરે ફરકતો ધ્વજ એ વાતનો પુરાવો છે કે જનતા હવે આતંકવાદીઓ અને તેમના પાકિસ્તાની આકાઓથી જરાય ડરતી નથી. કાશ્મીર હવે શાંતિ, પ્રવાસન અને પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે. આબિદ શેખના પિતાનું આ પગલું ભવિષ્યમાં અન્ય ભટકેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે એક મોટી પ્રેરણા સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
