કોંગ્રેસમાં 'મહાભારત': મેવાણી અને કિરીટ પટેલ વચ્ચે જંગ છેડાયો
પાટણ SC સેલના પ્રમુખની ખુરશી માટે કોંગ્રેસના બે ધારાસભ્યો આમને-સામને: જિજ્ઞેશ મેવાણીનું 'ફૂદા' વાળું નિવેદન પાટીદાર નેતાઓને ડંખ્યું, દલિત વિરુદ્ધ પાટીદારના સામાજિક વળાંકથી હાઈકમાન્ડની ચિંતા વધી

પાટણ: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ધૂંધવાતો આંતરિક અસંતોષ હવે જ્વાળામુખી બનીને ફાટ્યો છે. પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખની નિમણૂકને લઈને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચેની ખેંચતાણ હવે જાહેર મંચ પર આવી ગઈ છે. વીર મેઘમાયા સાતમની રેલીમાં મેવાણીએ અત્યંત આક્રમક શૈલીમાં કોઈનું નામ લીધા વગર કિરીટ પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે, 'કોઈના મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પરથી મારીશું, તો એ ફાંકા કાઢી નાખે, તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે.' મેવાણીના આ તીખા વેણે રાજકીય વાતાવરણમાં આગ લગાવી દીધી છે.
જિજ્ઞેશ મેવાણીના આ 'ફૂદા' વાળા નિવેદન બાદ પાટીદાર સમાજ અને તેના નેતાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પાટીદાર નેતા વરૂણ પટેલ અને દિનેશ બાંભણિયાએ મેવાણીને આડે હાથ લેતા ચેતવણી આપી છે કે કિરીટ પટેલ એક સામાજિક સાથી છે અને તેમના વિશે આવી અભદ્ર ભાષા સાંખી લેવામાં આવશે નહીં. નેતાઓએ રોષે ભરાઈને કહ્યું કે મેવાણીએ અહમમાં આવીને પોતાની મર્યાદા ઓળંગવી જોઈએ નહીં. આ વિવાદે હવે પક્ષના આંતરિક મામલાને બદલે 'દલિત વિરુદ્ધ પાટીદાર' જેવો ગંભીર સામાજિક વળાંક લીધો છે, જેની સીધી અસર આગામી ચૂંટણીઓના સમીકરણો પર પડી શકે છે.
બીજી તરફ, ધારાસભ્ય કિરીટ પટેલે મેવાણીના પ્રહાર સામે સંયમપૂર્વક વળતો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ જવાબદાર ધારાસભ્યએ સમાજમાં વર્ગવિગ્રહ ઉભો થાય તેવી નિવેદનબાજીથી બચવું જોઈએ અને સામાજિક સમરસતા જાળવી રાખવી જોઈએ. નોંધનીય છે કે, કિરીટ પટેલ એસસી મોરચાના પ્રમુખની નિમણૂકને લઈને પક્ષના હાઈકમાન્ડથી લાંબા સમયથી નારાજ ચાલી રહ્યા છે અને મેવાણીના સમર્થનવાળા ઉમેદવાર સામે તેમનો સખત વિરોધ છે. આ લડાઈમાં હવે પક્ષના કાર્યકરો પણ બે ભાગમાં વહેંચાઈ ગયા હોય તેવું જણાય છે.
કોંગ્રેસ માટે આ વિવાદ 'ગળામાં ફસાયેલા હાડકા' જેવો સાબિત થઈ રહ્યો છે. એક તરફ જિજ્ઞેશ મેવાણી દલિતોના અવાજ તરીકે પક્ષમાં મજબૂત પકડ ધરાવે છે, તો બીજી તરફ કિરીટ પટેલ ઉત્તર ગુજરાતના પ્રભાવશાળી પાટીદાર નેતા છે. જો આ વિવાદ જલ્દી શમશે નહીં, તો પક્ષે સામાજિક મોરચે મોટું નુકસાન વેઠવું પડી શકે છે. પાટણની આ રાજકીય લડાઈ હવે માત્ર એક પદ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તે બે નેતાઓના અસ્તિત્વ અને પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. પ્રદેશ નેતાગીરી આ મામલે કેવી રીતે મધ્યસ્થી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
