<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

રશિયન સબમરીન 'K-222': સમુદ્રની નીચે ઉડતું એવું 'ભૂત' જેનાથી અમેરિકા આજેય ધ્રૂજે છે

૬૦ વર્ષ પહેલાં સોવિયેત યુનિયને ટાઇટેનિયમથી બનાવેલી 'પાપા ક્લાસ' સબમરીને તોડ્યા હતા સ્પીડના તમામ રેકોર્ડ: ૮૨ કિમીની પ્રચંડ ગતિએ પાણી ચીરતી આ ન્યુક્લિયર સબમરીન સામે અમેરિકાના F-35 પણ ભરે છે પાણી

મોસ્કો: આધુનિક યુગમાં ભલે અમેરિકા તેના પાંચમી પેઢીના ફાઇટર જેટ F-35 અને B-52 બોમ્બર પર ગર્વ કરતું હોય, પરંતુ સમુદ્રના પેટાળમાં રશિયાએ દાયકાઓ પહેલા જ એક એવો 'સુલ્તાન' પેદા કર્યો હતો જેની ઝડપ સુધી પહોંચવું આજે પણ અશક્ય છે. ૧૯૬૦ના દાયકામાં શીત યુદ્ધ દરમિયાન સોવિયેત યુનિયને 'K-222' નામની પરમાણુ સબમરીન વિકસાવી હતી, જેને નાટો દેશોએ 'પાપા ક્લાસ' તરીકે ઓળખાવી હતી. આ સબમરીને ૧૯૭૧માં પાણીની અંદર ૪૪.૭ નોટ્સ એટલે કે આશરે ૮૩ કિમી પ્રતિ કલાકની પ્રચંડ ઝડપ હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો હતો, જે રેકોર્ડ આજે ૬૦ વર્ષ પછી પણ અતૂટ છે.

આ સબમરીનની સૌથી મોટી ખાસિયત તેની અદભૂત ગતિ અને તેને બનાવવામાં વપરાયેલું 'ટાઇટેનિયમ' ધાતુ હતું. સ્ટીલ કરતા અનેકગણું મજબૂત અને હળવું ટાઇટેનિયમ કાસ્ટ કરવું તે સમયે અત્યંત કપરું કામ હતું, છતાં સોવિયેત ઇજનેરોએ તે જોખમ ઉઠાવ્યું. K-222 માત્ર જાસૂસી માટે નહીં, પણ દુશ્મન દેશના એરક્રાફ્ટ કેરિયર્સને પલકવારમાં નેસ્તનાબૂદ કરવા માટે બનાવવામાં આવી હતી. તેની ઝડપ એટલી વધારે હતી કે તે સમયના અમેરિકી ટોર્પિડો પણ તેનો પીછો કરવામાં નિષ્ફળ રહેતા હતા. આ સબમરીન દરિયાના પેટાળમાં એક એવું અદ્રશ્ય શસ્ત્ર હતું જે હુમલો કરીને દુશ્મન વિચારે તે પહેલાં તો અદ્રશ્ય થઈ જતું.

પાણીની અંદર આટલી ગતિ પ્રાપ્ત કરવી એ વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ ચમત્કારથી ઓછું નથી. સામાન્ય રીતે આધુનિક પરમાણુ સબમરીન ૨૫ થી ૩૦ નોટ્સની ઝડપે ચાલતી હોય છે, જ્યારે K-222 એ ૪૪.૭ નોટ્સનો આંકડો વટાવીને યુએસ નેવીના હોશ ઉડાવી દીધા હતા. ૧૦૬ મીટર લાંબી આ સબમરીન ક્રુઝ મિસાઇલો અને પરમાણુ હથિયારોથી સજ્જ હતી. તેના શક્તિશાળી રિએક્ટરે તેને એ શક્તિ આપી કે તે સમુદ્રના અત્યંત દબાણ વચ્ચે પણ એક તેજ ગતિના શિકારીની જેમ ફરી શકતી હતી. જોકે, આ ઝડપ પાછળ એક મોટો માઈનસ પોઈન્ટ તેનો અવાજ હતો, જે તેને દુશ્મનના રડારમાં જલ્દી પકડાઈ જાય તેવી બનાવતો હતો.

વ્યૂહાત્મક રીતે જોઈએ તો K-222 એ સાબિત કર્યું કે સોવિયેત યુનિયન ટેકનોલોજીના મામલે અમેરિકા કરતા દસ ડગલાં આગળ હતું. ભલે તેની લશ્કરી કારકિર્દી ટૂંકી રહી, પરંતુ તેણે પાણીની અંદર યુદ્ધના તમામ જૂના નિયમો બદલી નાખ્યા હતા. આજે જ્યારે રશિયા અને અમેરિકા ફરી આમને-સામને છે, ત્યારે K-222 ની આ વાર્તા યાદ અપાવે છે કે રશિયન ઇજનેરી જ્યારે પોતાના પર આવે છે ત્યારે એવી વસ્તુઓ બનાવી શકે છે જેની કલ્પના પણ પશ્ચિમી દેશો કરી શકતા નથી. આ સબમરીન આજે પણ મિલિટરી એન્જિનિયરિંગના ઇતિહાસમાં એક 'ગોલ્ડન માર્ક' સમાન છે.

(3:19 PM IST)