હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય રેલવેમાં રોબો-યુગ: હવે સ્ટેશન પર 'અર્જુન' રાખશે બાજ નજર
વિશાખાપટ્ટનમ સ્ટેશન પર દેશનો પ્રથમ હ્યુમનૉઇડ રોબો 'ASC ARJUN' તહેનાત: ૨૪ કલાક પેટ્રોલિંગ, ફેસ રેકગ્નિશન અને આગ-ધુમાડાને પારખવાની અદભૂત શક્તિ સાથે રેલવે સુરક્ષા બનશે હાઈ-ટેક

વિશાખાપટ્ટનમ: ભારતીય રેલવે હવે માત્ર પાટા પર જ નહીં, પણ ટેક્નોલોજીના મેદાનમાં પણ બુલેટ ગતિએ આગળ વધી રહી છે. રેલવે પોલીસ ફોર્સ (RPF) ના આધુનિકીકરણના ભાગરૂપે દેશમાં પહેલીવાર વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર 'ASC ARJUN' નામનો હ્યુમનૉઇડ રોબો તહેનાત કરવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય મશીન નથી, પણ સુરક્ષા અને સેવાનું એક એવું આધુનિક માળખું છે જે મુસાફરોની સુરક્ષામાં પૂરક બનશે. આ અદભૂત રોબોને સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી વિશાખાપટ્ટનમમાં જ તૈયાર કરવામાં આવ્યો છે, જે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
'અર્જુન' રોબોની સૌથી મોટી તાકાત તેની ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS) છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી સજ્જ આ રોબો ભીડમાં પણ કોઈ શંકાસ્પદ ચહેરા અથવા ઘૂસણખોરને સેકન્ડોમાં ઓળખી કાઢવાની ક્ષમતા ધરાવે છે અને તુરંત RPF કંટ્રોલ રૂમને રિયલ-ટાઇમ એલર્ટ મોકલે છે. ૨૪ કલાક અવિરત કામ કરવાની ક્ષમતા ધરાવતો આ રોબો પ્લેટફોર્મ પર પૂર્વનિર્ધારિત માર્ગો પર પેટ્રોલિંગ કરે છે. માર્ગમાં આવતા અવરોધોને તે આપમેળે ટાળી શકે છે, જેના કારણે વ્યસ્ત કલાકો દરમિયાન મુસાફરોની અવરજવરમાં કોઈ ખલેલ પડતી નથી.
મુસાફરોની સહાય માટે 'અર્જુન' એક બહુભાષી ગાઈડની ભૂમિકા પણ ભજવે છે. તે હિન્દી, અંગ્રેજી અને તેલુગુ એમ ત્રણ ભાષાઓમાં સ્વચાલિત જાહેરાતો કરી શકે છે. સ્ટેશન પર માર્ગદર્શન આપવું હોય કે સુરક્ષા અંગેની જાગૃતિ ફેલાવવી હોય, આ રોબો મુસાફરો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરે છે. આ ઉપરાંત, સલામતીના દ્રષ્ટિકોણથી તેમાં અદ્યતન 'ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન' સિસ્ટમ લગાવવામાં આવી છે. જો સ્ટેશનના કોઈ ખૂણે આગ લાગે કે ધુમાડો દેખાય, તો 'અર્જુન' માનવીય પ્રતિભાવ મળે તે પહેલા જ ચેતવણી આપી દે છે, જેથી મોટી જાનહાનિ ટાળી શકાય.
ઈસ્ટકોસ્ટ રેલવેની આ પહેલ આગામી સમયમાં દેશના અન્ય મોટા સ્ટેશનો માટે મોડેલ સાબિત થશે. ટીમે એક વર્ષથી વધુ સમયની મહેનત બાદ આ રોબો વિકસાવ્યો છે, જે ભીડ-વ્યવસ્થાપન અને સ્વચ્છતાની દેખરેખમાં પણ મહત્વનો ફાળો આપશે. હવે જ્યારે તમે વિશાખાપટ્ટનમ સ્ટેશન પર ઉતરશો, ત્યારે કોઈ પોલીસકર્મીને બદલે 'અર્જુન' રોબો તમને સલામી આપતો કે સહાય કરતો જોવા મળે તો આશ્ચર્ય પામતા નહીં. રેલવે સુરક્ષાનું આ ડિજિટલ પરિવર્તન મુસાફરો માટે મુસાફરીને વધુ સુરક્ષિત અને સુખદ બનાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
