હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં 'ખાખી'નો કહેર: ICE એજન્ટોએ ૩૭ વર્ષના યુવાનને ૧૦ ગોળીઓ ઝીંકી
મિનીઆપોલિસમાં એલેક્સ પ્રિટીની હત્યાથી પ્રચંડ જનઆક્રોશ: હાથમાં પિસ્તોલ હોવાના દાવા વચ્ચે વીડિયોમાં દેખાયો મોબાઈલ, ગવર્નર ટિમ વોલ્ઝે ટ્રમ્પના એજન્ટોને 'અપ્રશિક્ષિત ગુંડા' ગણાવી નેશનલ ગાર્ડ ઉતાર્યા

મિનીઆપોલિસ: અમેરિકાના મિનીઆપોલિસમાં ઇમિગ્રેશન એજન્ટોની ક્રૂરતાએ ફરી એકવાર માનવતાને હચમચાવી દીધી છે. શનિવારે ICE (ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) એજન્ટોએ ૩૭ વર્ષના એલેક્સ પ્રિટી પર માત્ર પાંચ સેકન્ડમાં ૧૦ ગોળીઓ ચલાવી તેનું જાહેરમાં મોત નીપજાવ્યું હતું. આ ઘટના બાદ આખા શહેરમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. એક મહિનામાં આ બીજી હત્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન કાર્યવાહી સામે મોટો સવાલ ઉભો કર્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે મિનેસોટાના ગવર્નરે શાંતિ જાળવવા માટે નેશનલ ગાર્ડને મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ એવો દાવો કર્યો હતો કે એલેક્સ પિસ્તોલ લઈને એજન્ટો પર હુમલો કરવા જઈ રહ્યો હતો, પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં હકીકત કંઈક અલગ જ જણાય છે. વીડિયો ફૂટેજમાં એલેક્સ બરફથી ઢંકાયેલી ફૂટપાથ પર એક મહિલા પ્રદર્શનકારીને પોલીસના કેમિકલ સ્પ્રેથી બચાવવાનો પ્રયાસ કરતો દેખાય છે. એજન્ટોએ જ્યારે તેના પર ગોળીબાર કર્યો ત્યારે તેના જમણા હાથમાં પિસ્તોલને બદલે મોબાઈલ ફોન હતો અને તેનો ડાબો હાથ હવામાં હતો. આ વિરોધાભાસી પુરાવાઓએ સોશિયલ મીડિયા પર આક્રોશની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
ગવર્નર ટિમ વોલ્ઝે આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે અને વ્હાઇટ હાઉસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પ્રેસિડન્ટ ટ્રમ્પને મિનેસોટામાંથી "હિંસક અને અપ્રશિક્ષિત" એજન્ટોને તાત્કાલિક પાછા ખેંચવા અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે આ એજન્ટોનો બચાવ કરતા કહ્યું છે કે તેમને પોતાની સુરક્ષા કરવાનો પૂરો હક છે. હોમલેન્ડ સિક્યોરિટીના વડાએ તો એલેક્સને 'ઘરેલુ આતંકવાદી' સુદ્ધાં કહી દીધો છે, જેની સામે એલેક્સના પરિવારમાં ભારે રોષ છે. પરિવારના જણાવ્યા મુજબ, એલેક્સ કોઈ ગુનેગાર નહીં પણ મિનીઆપોલિસ VA હોસ્પિટલમાં ICU નર્સ તરીકે ફરજ બજાવતો એક નિષ્ઠાવાન નાગરિક હતો.
એલેક્સના માતા-પિતાએ રડતી આંખે જણાવ્યું કે તેમનો પુત્ર છેલ્લી ઘડી સુધી એક મહિલાનું રક્ષણ કરી રહ્યો હતો. તે યુદ્ધમાં લડીને આવેલા નિવૃત્ત સૈનિકોની સેવા કરતો હતો, છતાં તેને આતંકવાદી કહીને બદનામ કરવામાં આવી રહ્યો છે. આ કાયરતાપૂર્ણ હત્યા બાદ હવે અમેરિકામાં નાગરિક અધિકારો અને પોલીસની સત્તા પર મોટી ચર્ચા છેડાઈ છે. શું ટ્રમ્પ પ્રશાસન આ વધતી જતી હિંસાને રોકવા કોઈ નક્કર પગલાં લેશે કે પછી ઇમિગ્રેશનના નામે આવા નિર્દોષોના બલિદાન લેવાતા રહેશે, તે હવે સૌથી મોટો સવાલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
