હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં લોહિયાળ પંચાયત: બે પ્રોપર્ટી ડીલરો પર ૧૨ ગોળીઓ ઝીંકી હત્યા
રોહતાસના ડુમરિયા ગામમાં જમીન વિવાદે લીધો ભયાનક વળાંક: સમાધાન કરવા આવેલા બે વેપારીઓને પપ્પુ સિંહે ગોળીઓથી વીંધી નાખ્યા, પોતાની જ કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળ્યા મૃતદેહ

સાસારામ: બિહારના રોહતાસ જિલ્લામાં રવિવારની સાંજ ગોળીઓના ગુંજારવથી ધ્રૂજી ઉઠી હતી. સાસારામ મુફુસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડુમરિયા ગામમાં જમીનના એક વિવાદમાં સમાધાન કરવા માટે બોલાવવામાં આવેલા બે પ્રોપર્ટી ડીલરોની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ૪૫ વર્ષીય રૂપેશ સિંહ અને વિનય પ્રજાપતિ નામના બે શખસો પર હુમલાખોરોએ એટલો બધો કહેર વર્તાવ્યો કે એકના શરીરમાં પાંચ અને બીજાના શરીરમાં સાત ગોળીઓ ધરબી દીધી હતી. પંચાયત દરમિયાન થયેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઘટનાની વિગતો મુજબ, ડુમરિયા ગામના કુખ્યાત પપ્પુ સિંહે જમીનના જૂના વિવાદના ઉકેલ માટે પંચાયત ભરી હતી અને આ બંને પ્રોપર્ટી ડીલરોને ત્યાં બોલાવ્યા હતા. પંચાયત દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો જોતજોતામાં બિચક્યો હતો. પપ્પુ સિંહ અને તેના સાથીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આંધળાધૂંધ ગોળીબારમાં બંને ડીલરોને ભાગવાની તક પણ મળી નહોતી અને ઘટનાસ્થળે જ તેમના પ્રાણપંખેરું ઉડી ગયા હતા.
હત્યા બાદ આરોપીઓએ અત્યંત ક્રૂરતા દાખવીને બંને મૃતદેહોને તે જ વાહનમાં ફેંકી દીધા હતા જેમાં તેઓ ગામમાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ રોહતાસના એસપી રોશન કુમાર ભારે પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપી પપ્પુ સિંહનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. ઘટનાસ્થળેથી એફએસએલ (FSL) ની ટીમે પુરાવા એકઠા કર્યા છે. ગામમાં કોઈ મોટી હિંસા ન ફાટી નીકળે તે માટે અનેક પોલીસ સ્ટેશનના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે આ ઘટના બાદ પડોશી ઉચૈલા ગામમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલમાં પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાસારામ સદર હોસ્પિટલ મોકલી આપ્યા છે. મૃતકના પરિવારજનો સ્તબ્ધ છે અને તેમણે દાવો કર્યો છે કે તેમને કોઈ જૂની દુશ્મની હોવાની જાણ નહોતી. એસપીએ ખાતરી આપી છે કે ફરાર પપ્પુ સિંહ અને તેના સાથીઓને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. બિહારમાં જમીન માફિયાઓ અને પ્રોપર્ટી ડીલરો વચ્ચે ચાલતી આ 'ગેંગવોર' જેવી સ્થિતિએ ફરી એકવાર રાજ્યની કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
