<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

અમેરિકામાં બરફીલો પ્રલય: ૧૦ લાખ લોકો અંધારપટમાં, ૧૦,૦૦૦ ફ્લાઇટ્સ રદ

ન્યૂ મેક્સિકોથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધી ૨૦૦૦ માઇલના પટમાં કુદરતનું તાંડવ: ૨૧ કરોડ લોકો પર 'આઈસ બોમ્બ'નું સંકટ, પ્રમુખ ટ્રમ્પે કટોકટી જાહેર કરી લોકોને સાવધ રહેવા અને ખોરાક-બળતણનો સ્ટોક કરવા આપી સલાહ

વોશિંગ્ટન: અમેરિકા હાલમાં સદીના સૌથી ભયાનક બરફીલા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે, જેને હવામાનશાસ્ત્રીઓ ઐતિહાસિક ગણાવી રહ્યા છે. આકાશમાંથી વરસી રહેલી 'સફેદ આફત'ને કારણે સમગ્ર દેશ થંભી ગયો છે. ન્યૂ મેક્સિકોથી લઈને ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના અંદાજે ૨,૦૦૦ માઇલના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ તોફાને ૨૧ કરોડથી વધુ અમેરિકનોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ટેનેસી, લ્યુઇસિયાના અને મિસિસિપી જેવા રાજ્યોમાં સ્થિતિ એટલી ગંભીર છે કે ૧૦ લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે લાખો લોકો હાડ થીજવતી ઠંડીમાં અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.

આ બરફીલા પ્રલયની સૌથી મોટી અસર હવાઈ મુસાફરી પર પડી છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેરના જણાવ્યા અનુસાર, રવિવારે એક જ દિવસમાં ૧૦,૮૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે હજારો ફ્લાઇટ્સ કલાકો સુધી વિલંબમાં છે. ન્યૂ યોર્ક અને ફિલાડેલ્ફિયા જેવા મોટા શહેરોના એરપોર્ટ પર ૮૦% થી વધુ કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર જ અટવાયા છે. નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી છે કે આગામી કેટલાક દિવસો સુધી તાપમાન શૂન્યથી ઘણું નીચે રહેશે, જે મુસાફરી માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ રાજ્યોમાં ફેડરલ ઇમરજન્સી (કટોકટી) જાહેર કરી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લોકોને સુરક્ષિત રહેવા અને ઠંડીથી બચવા અપીલ કરી છે. ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) અને નેશનલ ગાર્ડની ટીમોને બચાવ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે. હોમલેન્ડ સિક્યુરિટી સચિવ ક્રિસ્ટી નોએમે રહેવાસીઓને બળતણ અને ખોરાકનો સ્ટોક કરી લેવા આદેશ આપ્યો છે, કારણ કે ભારે હિમવર્ષાને કારણે ઘણા રસ્તાઓ દુર્ગમ બન્યા છે અને પુરવઠો ખોરવાઈ શકે તેવી શક્યતા છે.

માત્ર બરફ જ નહીં, પરંતુ કરા અને કાતિલ પવનને કારણે વીજળીના થાંભલા અને હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. હવામાનશાસ્ત્રી એલિસન સેન્ટોરેલીના મતે આ વાવાઝોડું એટલા માટે અનોખું છે કારણ કે તે દેશના પૂર્વીય બે તૃતીયાંશ ભાગને એકસાથે ઘમરોળી રહ્યું છે. દક્ષિણના એવા રાજ્યો જ્યાં શિયાળો સામાન્ય રીતે સૌમ્ય હોય છે, ત્યાં પણ તાપમાન વિક્રમી સ્તરે નીચે ગયું છે. અમેરિકાના ઈતિહાસમાં આ તોફાન માળખાગત સુવિધાઓને સૌથી વધુ નુકસાન પહોંચાડનારા તોફાનોમાંનું એક સાબિત થઈ શકે છે.

(3:32 PM IST)