હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશભરમાં બેંકિંગ સેવાઓ પર હડતાળનું ગ્રહણ : આવતીકાલે બેંકોના પૈડાં થંભશે! : 5-ડે વર્ક વીકની માંગ સાથે લાખો કર્મચારીઓ જોડાશે
સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેતા અબજોના વ્યવહારો ખોરવાવાની ભીતિ : IBA સાથે સમજૂતી છતાં સરકારે જાહેરનામું ન બહાર પાડતા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનું આક્રમક એલાન : SBI સહિતની જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજને માઠી અસર થશે

નવી દિલ્હી : દેશની જાહેર ક્ષેત્રની બેંકોમાં આવતીકાલે, મંગળવાર, ૨૭ જાન્યુઆરીના રોજ કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ જવાની શક્યતા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 'પાંચ દિવસનું કાર્યકારી સપ્તાહ' (5-Day Work Week) તાત્કાલિક અમલમાં લાવવાની માંગ સાથે દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ૨૫ જાન્યુઆરીએ રવિવાર અને ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની રજા બાદ ૨૭મીએ હડતાળ હોવાથી સતત ત્રણ દિવસ સુધી બેંકિંગ સેવાઓ બંધ રહેશે.
કેમ યોજાઈ રહી છે હડતાળ?
બેંક યુનિયનોની મુખ્ય માંગણી તમામ શનિવારને રજા તરીકે જાહેર કરવાની છે. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) ના જનરલ સેક્રેટરી રૂપમ રોયના જણાવ્યા અનુસાર, માર્ચ ૨૦૨૪માં ૧૨મા દ્વિપક્ષીય કરાર વખતે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનિયનો વચ્ચે તમામ શનિવારની રજા અંગે સહમતી સધાઈ હતી. જોકે, સરકારે હજુ સુધી આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું નથી. કર્મચારીઓ દલીલ કરી રહ્યા છે કે તેઓ દરરોજ ૪૦ મિનિટ વધુ કામ કરવા તૈયાર છે, જેથી કામના કલાકોમાં કોઈ ઘટાડો થશે નહીં.
SBI અને અન્ય બેંકો પર અસર:
દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શેરબજારને જાણ કરી છે કે હડતાળને કારણે તેની શાખાઓ અને કચેરીઓમાં કામકાજ પ્રભાવિત થઈ શકે છે. SBI ઉપરાંત પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ બરોડા જેવી જાહેર ક્ષેત્રની બેંકોમાં રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરન્સ અને વહીવટી કામગીરીને મોટી અસર પહોંચશે. જોકે, એચડીએફસી (HDFC), આઈસીઆઈસીઆઈ (ICICI) અને એક્સિસ બેંક જેવી ખાનગી બેંકોની કામગીરી સામાન્ય રહેવાની ધારણા છે.
ગ્રાહકો માટે ડિજિટલ બેંકિંગનો સહારો:
શાખાઓમાં કામકાજ બંધ રહેવા છતાં, યુપીઆઈ (UPI), નેટ બેંકિંગ અને ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે. જોકે, સતત ત્રણ દિવસની રજા અને હડતાળને કારણે એટીએમ (ATM) માં રોકડની અછત સર્જાઈ શકે છે. યુનિયન નેતા એલ. ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર, આ આંદોલન ગ્રાહકોની વિરુદ્ધમાં નથી, પરંતુ બેંકિંગ સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને માનવીય બનાવવા માટે છે.
હાલમાં બેંકો મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે ખુલ્લી રહે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર હડતાળ પહેલા કોઈ મધ્યસ્થી કરે છે કે પછી ગ્રાહકોએ ત્રણ દિવસ સુધી નાણાકીય મુશ્કેલીઓ વેઠવી પડે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
