<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ભારત-EU દોસ્તીનો નવો અધ્યાય: પ્રજાસત્તાક પર્વ પર ઉર્સુલા વોન ડેર લેયેને આપ્યું મોટું નિવેદન : “સફળ ભારત વિશ્વને વધુ સ્થિર, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવે છે,અને આપણે બધા તેનો લાભ લઈએ છીએ

બધા વેપારની માતા' ગણાતા ઐતિહાસિક કરારની ભારત અત્યંત નજીક: બે અબજ લોકોનું સંયુક્ત બજાર અને વિશ્વના 25% GDP પર આધિપત્ય જમાવવાની તૈયારી: દિલ્હીમાં યુરોપિયન નેતાઓના આગમનથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હી:  ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના પર્વ પર આ વર્ષે રાજધાની દિલ્હીમાં એક નવો ઇતિહાસ રચાયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત યુરોપિયન યુનિયન (EU) ના બે સર્વોચ્ચ નેતાઓ, ઉર્સુલા વોન ડેર લેયેન અને લુઈસ સાન્તોસ દા કોસ્ટા, એકસાથે મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત નથી, પરંતુ તે ભારત અને યુરોપ વચ્ચેના 'ગ્રાન્ડ એલાયન્સ'નો સંકેત છે. ડેર લેયેને ભારતની પ્રગતિની પ્રશંસા કરતા સ્પષ્ટ કહ્યું કે, ભારતની સફળતામાં જ વિશ્વની સ્થિરતા અને સુરક્ષા છુપાયેલી છે. પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળ્યા બાદ તેમણે આ ક્ષણને પોતાના જીવનનું સૌથી મોટું સન્માન ગણાવીને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની નવી દિશા નક્કી કરી છે.

આ મુલાકાતનું સૌથી મોટું આકર્ષણ 'મુક્ત વેપાર કરાર' (FTA) છે, જેને ડેર લેયેને 'મધર ઓફ ઓલ ટ્રેડ્સ' તરીકે ઓળખાવ્યો છે. 2007થી અટકેલી આ વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં છે અને મંગળવારે થનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેના પર મહોર લાગવાની પૂરેપૂરી શક્યતા છે. આ કરારથી માત્ર વેપાર જ નહીં, પરંતુ બે અબજ લોકો માટે એક વિશાળ બજાર ખુલશે. જો આ કરાર સફળ થાય છે, તો ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર, જે હાલમાં 135 બિલિયન ડોલરની આસપાસ છે, તે નવી ઊંચાઈઓને સ્પર્શશે. આ વ્યૂહાત્મક ભાગીદારી ચીન જેવા દેશો સામે એક મજબૂત આર્થિક વિકલ્પ તરીકે પણ ઉભરી આવશે.

ભારતીય ગ્રાહકો માટે સૌથી ઉત્સાહજનક સમાચાર ઓટોમોબાઈલ સેક્ટરમાંથી આવી રહ્યા છે. અહેવાલો મુજબ, ભારત સરકાર EU માંથી આવતી મોંઘી કારો પરની ઇમ્પોર્ટ ડ્યુટી 110 ટકાથી ઘટાડીને સીધી 40 ટકા અને ભવિષ્યમાં માત્ર 10 ટકા સુધી લાવવાની યોજના બનાવી રહી છે. આનાથી વોક્સવેગન, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવી બ્રાન્ડ્સની કારો ભારતમાં નોંધપાત્ર રીતે સસ્તી થઈ શકે છે. બદલામાં, ભારતીય નિકાસકારોને યુરોપના 27 દેશોમાં સરળતાથી પ્રવેશ મળશે. આમ, આ પ્રજાસત્તાક દિવસ ભારત-EU સંબંધો માટે માત્ર એક તહેવાર નહીં, પરંતુ આર્થિક ક્રાંતિનો પાયો સાબિત થવા જઈ રહ્યો છે.

(6:35 PM IST)