<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

કુદરતનો કહેર: 60 કિમીની ઝડપે ફૂંકાશે વાવાઝોડું અને આકાશમાંથી વરસશે 'બરફના ગોળા': ઉત્તર ભારત પર કુદરતી આફતનું જોખમ!

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જેટ સ્ટ્રીમની ઘાતક જુગલબંધી: હિમાલયમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં કરા સાથે વરસાદની કંપાવનારી આગાહી : માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના

નવી દિલ્હી:  ભારતીય હવામાન વિભાગે  આગામી થોડા દિવસો માટે દેશભરમાં કુદરતનો મિજાજ બદલાવાની ભયાનક ચેતવણી જારી કરી છે. આકાશમાં 12.6 કિમીની ઊંચાઈએ સક્રિય થયેલી પશ્ચિમી જેટ સ્ટ્રીમ અને 30 જાન્યુઆરીએ આવનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ સુધી હિમવર્ષાનો પહાડ તૂટી શકે છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાનારા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથેનો વરસાદ સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખશે તેવી ભીતિ છે. ખાસ કરીને પહાડી રાજ્યોમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ છે, જ્યાં 27 જાન્યુઆરીએ કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.

મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં માત્ર વરસાદ જ નહીં, પણ ખતરનાક રીતે કરા પડવાની પણ શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ પ્રતિકૂળ હવામાનના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ભારતમાં કેરળ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગાઢ ધુમ્મસ અને શીતલહેરના કારણે વિઝિબિલિટી ઘટશે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરોએ ખાસ સાવચેતી રાખવી પડશે.

તાપમાનના ગણિતમાં પણ મોટો ઉતાર-ચઢાવ જોવા મળશે. આગામી બે દિવસમાં પારો 3 થી 5 ડિગ્રી વધશે, પરંતુ ત્યારબાદ ફરીથી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં પણ તાપમાનની આ વધઘટ લોકોને બીમાર કરી શકે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં કરંટ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયાઈ સીમાથી દૂર રહેવાની કડક સલાહ આપવામાં આવી છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં કુદરતનું આ 'મિક્સ વેધર' સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતને થથરાવી મૂકશે તે નક્કી છે.

(7:32 PM IST)