હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માલેગાંવમાં પ્રજાસત્તાક પર્વે માતમ: પરેડ ગ્રાઉન્ડ ગુંજ્યું ધડાકાથી: ફુગ્ગામાં ગેસ ભરતા સિલિન્ડરનો વિસ્ફોટ થતા પાંચ લોહીલુહાણ
રાષ્ટ્રધ્વજને સલામી આપવાના કાર્યક્રમ વચ્ચે અચાનક સર્જાયેલી ચીસાચીસ: નાઇટ્રોજન ગેસનો સિલિન્ડર ફાટતા નિર્દોષ બાળકો અને મહિલાઓ પટકાયા : બેની હાલત ગંભીર જણાતા નાસિક રિફર કરાયા

માલેગાંવ: મહારાષ્ટ્રના માલેગાંવમાં આજે પ્રજાસત્તાક દિવસની હર્ષોલ્લાસ સાથે થતી ઉજવણી પળભરમાં ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જ્યારે અધિક જિલ્લા કલેક્ટર અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં શિસ્તબદ્ધ પરેડ અને ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે ગ્રાઉન્ડથી માત્ર ૨૫૦ મીટર દૂર એક જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો. ઉત્સવના માહોલમાં ફુગ્ગા ખરીદવા ઉમટેલા બાળકો અને પરિવારો માટે આ ખુશીની ક્ષણ લોહીલુહાણ સાબિત થઈ હતી.
વિગતો મુજબ, એક ફુગ્ગા વેચનાર નાઇટ્રોજન ગેસની મદદથી ફુગ્ગા ફુલાવી રહ્યો હતો ત્યારે અચાનક તેનું સિલિન્ડર ફાટ્યું હતું. આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં બે માસૂમ બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોની ઓળખ વિનોદ થોરાટ, મોહિત જાધવ, અતુલ શેવાળે, પ્રમિલા યાદવ અને ઉજ્જવલા મહાજન તરીકે કરવામાં આવી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઈજાગ્રસ્તો દૂર સુધી ફંગોળાયા હતા, અને ઘટનાસ્થળે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ, બે વ્યક્તિઓની સ્થિતિ નાજુક હોવાનું જણાતા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે નાસિક રિફર કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કે શું ગેસ સિલિન્ડરના સંચાલનમાં કોઈ બેદરકારી હતી અથવા સિલિન્ડરની ગુણવત્તામાં ખામી હતી. દેશભક્તિના રંગમાં રંગાયેલા માલેગાંવમાં આ અકસ્માતે લોકોના હૃદય હચમચાવી નાખ્યા છે અને તહેવારના દિવસે જ હોસ્પિટલની બહાર સ્વજનોની ભીડ જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
