<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

અમેરિકાના વિઝામાં ‘ટ્રમ્પ ગ્રહણ’ : H-1B વિઝા સ્ટેમ્પિંગ માટે હવે સીધું ૨૦૨૭નું વેયટિંગ : ભારતીય એન્જિનિયરો અને તેમના પરિવારોમાં ભારે ફફડાટ

દિલ્હી-મુંબઈ સહિતના વિઝા કેન્દ્રો પર સ્લોટ્સ ‘નોટ અવેલેબલ’ : સોશિયલ મીડિયા સ્ક્રિનિંગ અને કડક સ્ક્રુટિનીને કારણે પ્રોસેસિંગમાં વિલંબ, હજારો ભારતીયોની નોકરીઓ અને ભવિષ્ય જોખમમાં

નવી દિલ્હી : અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિઝા નીતિઓમાં કરવામાં આવેલા ધરખમ ફેરફારોને કારણે ભારતીય પ્રોફેશનલ્સ માટે કપરા દિવસો શરૂ થયા છે. ભારત સ્થિત અમેરિકી દૂતાવાસોમાં H-1B વિઝા સ્ટેમ્પિંગ માટેના નવા ઇન્ટરવ્યુ સ્લોટ્સ હવે સીધા વર્ષ ૨૦૨૭ સુધી લંબાઈ ગયા છે. આ સ્થિતિને કારણે અમેરિકામાં કાર્યરત હજારો ભારતીય આઈટી નિષ્ણાતો અને તેમના પરિવારોમાં ચિંતા અને આઘાતનું મોજું ફરી વળ્યું છે.
દૂતાવાસોમાં સ્લોટ્સની અછત:
દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલા અમેરિકી વિઝા કાર્યાલયોમાં હાલમાં ઇન્ટરવ્યુ માટેના કોઈ નિયમિત સ્લોટ્સ ઉપલબ્ધ નથી. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર કોલકાતા અને દિલ્હી જેવા શહેરો માટે વેટિંગ પિરિયડમાં 'નોટ અવેલેબલ' (ઉપલબ્ધ નથી) દર્શાવવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જેમના ઇન્ટરવ્યુ નક્કી હતા, તેમને પણ ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમની તારીખો લંબાવીને એપ્રિલ-મે ૨૦૨૭ કરી દેવામાં આવી છે.
કઠોર નિયમો અને વધારાની સ્કૃતિની:
ટ્રમ્પ પ્રશાસને H-1B પ્રોગ્રામમાં નવા નિયમો દાખલ કર્યા છે. જોકે વાર્ષિક ૮૫,૦૦૦ વિઝાની મર્યાદા (જેમાં ૨૦,૦૦૦ યુએસ પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રીધારકો માટે છે) યથાવત છે, પરંતુ પ્રોસેસિંગની પ્રક્રિયા અત્યંત જટિલ બનાવી દેવામાં આવી છે. હવે દરેક અરજદારનું સોશિયલ મીડિયા સ્ક્રિનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના કારણે એક ઇન્ટરવ્યુમાં લાગતો સમય વધી ગયો છે અને દૂતાવાસો દરરોજ ઓછા ઇન્ટરવ્યુ કરી શકતા હોવાથી પેન્ડન્સી વધી રહી છે.
થર્ડ કન્ટ્રી સ્ટેમ્પિંગ પર પ્રતિબંધ:
અગાઉ ભારતીયો અન્ય દેશોમાં જઈને વિઝા સ્ટેમ્પિંગ કરાવી શકતા હતા, પરંતુ હવે ટ્રમ્પ સરકારે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે ભારતીયોએ માત્ર ભારતમાં જ સ્ટેમ્પિંગ કરાવવું પડશે, જેનાથી ભારતીય કોન્સ્યુલેટ્સ પર દબાણ અનેકગણું વધી ગયું છે. ઇમિગ્રેશન એટર્ની એમિલી ન્યુમેનનું કહેવું છે કે, "આ પ્રશાસન વિઝા આપવા માંગતું નથી અને બને તેટલા વિઝા નકારવાના પ્રયત્નો કરી રહ્યું છે. અમેરિકામાં રહેલા H-1B ધારકોએ અત્યારે સ્ટેમ્પિંગ માટે ભારત આવવાનું જોખમ ન લેવું જોઈએ."
પરિવારો પર સંકટ:
વિઝા સ્ટેમ્પિંગમાં વિલંબ અને કડકાઈને કારણે માત્ર H-1B ધારકો જ નહીં, પરંતુ તેમના પર નિર્ભર H-4 વિઝા ધારક જીવનસાથીઓના વિઝા પણ રદ કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે અનેક પરિવારો વિખૂટા પડી ગયા છે અથવા તેમની આજીવિકા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. નિષ્ણાતોના મતે હાલમાં સ્થિતિ સુધરે તેવી કોઈ આશા દેખાતી નથી.

(7:47 PM IST)