<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વે ઈતિહાસ રચાયો : કર્તવ્ય પથ પર પ્રથમવાર બે મુખ્ય અતિથિઓની હાજરી અને મહિલા ઓફિસર દ્વારા પુરૂષ રેજિમેન્ટનું નેતૃત્વ

બેટલ એરે ડિસ્પ્લે, એઆઈ સ્માર્ટ ગ્લાસથી સુરક્ષા અને પ્રાણીઓની વિશેષ ટુકડીના માર્ચ પાસ્ટ સહિત ૮ મોટા ફેરફારોએ આકર્ષણ જમાવ્યું : ભૈરવ લાઈટ કમાન્ડો બટાલિયન પ્રથમવાર પરેડમાં સામેલ થઈ

નવી દિલ્હી : ભારત આજે તેના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂરા જોશ અને ઉત્સાહ સાથે કરી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં આયોજિત પ્રજાસત્તાક પર્વની પરેડમાં આ વર્ષે અનેક પરંપરાઓ તૂટી છે અને આઠ જેટલા મોટા ઐતિહાસિક ફેરફારો જોવા મળ્યા છે. જે ભારતના બદલાતા સામર્થ્ય અને વૈશ્વિક સંબંધોની નવી ઝલક રજૂ કરે છે.
ઈતિહાસમાં પ્રથમવાર બે મુખ્ય અતિથિ:
પ્રજાસત્તાક પર્વના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે બે મુખ્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા આ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ બાબત ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મજબૂત થતા રાજદ્વારી સંબંધોનું પ્રતીક છે.
નારી શક્તિનું પ્રદર્શન અને નવી બટાલિયન:
પરેડમાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. પ્રથમ વખત CRPF ની પુરૂષ ટુકડીનું નેતૃત્વ મહિલા ઓફિસર આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સિમરન બાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઓક્ટોબર ૨૦૨૫માં રચાયેલી 'ભૈરવ લાઈટ કમાન્ડો બટાલિયન' એ પણ પ્રથમવાર પરેડમાં ભાગ લઈને પોતાની તાકાત બતાવી હતી.
પરંપરાગત પરેડમાં આધુનિક અને અનોખા ફેરફારો:
 * બેટલ એરે ડિસ્પ્લે: પરેડમાં પ્રથમ વખત 'બેટલ એરે' ડિસ્પ્લે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સૈનિકો અને હથિયારોને એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા જાણે તેઓ યુદ્ધના મેદાનમાં હોય.
 * પ્રાણીઓની વિશેષ ટુકડી: ભારતીય સેનાની રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર (RVC) દ્વારા તૈયાર કરાયેલ પ્રાણીઓની ટુકડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં બે કૂંવાડાવાળા બેક્ટ્રિયન ઊંટ, ઝાંસ્કર ઘોડા, રેપ્ટર અને મિલિટરી ડોગ્સ સામેલ હતા.
 * AI સ્માર્ટ ગ્લાસ: દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) યુક્ત સ્માર્ટ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ફેસિયલ રેકગ્નિશન દ્વારા ભીડમાં શંકાસ્પદોની ઓળખ કરવામાં સક્ષમ છે.
 * ગેલરીના નવા નામ: આ વર્ષે પ્રેક્ષક ગેલેરીઓના નામ બદલીને ગંગા, યમુના, નર્મદા અને ગોદાવરી જેવી પવિત્ર નદીઓના નામ પર રાખવામાં આવ્યા હતા.
આ તમામ ફેરફારો અને આધુનિક ટેકનોલોજીના સમન્વયે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને યાદગાર બનાવી દીધી છે.

(7:53 PM IST)