હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન રમશે કે નહીં? સસ્પેન્સ યથાવત : પીસીબી ચીફ મોહસિન નકવીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે કરી મુલાકાત
બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડનો પ્રવેશ થયા બાદ પાકિસ્તાનનું નવું નાટક : વડાપ્રધાને તમામ વિકલ્પો ખુલ્લા રાખી ઉકેલ લાવવા સૂચના આપી : આગામી શુક્રવાર કે સોમવારે લેવાઈ શકે છે આખરી નિર્ણય

ઈસ્લામાબાદ : વર્ષ 2026માં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા ફરી એકવાર અનિશ્ચિતતાનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશે વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યા બાદ હવે પાકિસ્તાને પણ પોતાની ભાગીદારીનો નિર્ણય વડાપ્રધાન પર છોડ્યો છે. આ વિવાદ વચ્ચે પીસીબી ચીફ મોહસિન નકવીએ ૨૬ જાન્યુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી, જેનાથી રમતજગતમાં ખળભળાટ મચી ગયો છે.
મોહસિન નકવીની વડાપ્રધાન સાથે બેઠક:
વડાપ્રધાન સાથેની બેઠક બાદ મોહસિન નકવીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, "વડાપ્રધાન મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફ સાથે સકારાત્મક બેઠક યોજાઈ હતી. મેં તેમને આઈસીસી (ICC) સાથે જોડાયેલા તમામ પાસાઓ અને સમગ્ર મામલાની વિગતવાર જાણકારી આપી છે. વડાપ્રધાને નિર્દેશ આપ્યો છે કે તમામ વિકલ્પો ખુલ્લા રાખીને આ મડાગાંઠનો ઉકેલ લાવવામાં આવે. આ બાબતે અંતિમ નિર્ણય કાં તો શુક્રવારે અથવા આવતા સોમવારે લેવામાં આવશે."
પાકિસ્તાનનો વિરોધ અને આઈસીસીનું વલણ:
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે આઈસીસીએ બાંગ્લાદેશની વિનંતી ફગાવી દીધી હતી. બાંગ્લાદેશ પોતાની તમામ મેચો શ્રીલંકાની ધરતી પર રમવા માંગતું હતું, જે પ્રસ્તાવ આઈસીસીએ નકારતા બાંગ્લાદેશે નામ પરત લીધું અને તેમના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને પણ પોતાની મેચો શ્રીલંકામાં રમવાની છે, પરંતુ હવે તેઓ ભાગીદારી મુદ્દે શરતો અને ડ્રામા કરી રહ્યા છે.
ટીમની જાહેરાત છતાં અનિશ્ચિતતા:
નોંધનીય છે કે, ૨૪ જાન્યુઆરીએ નકવીએ નિવેદન આપ્યું હતું કે જો સરકાર મનાઈ કરશે તો પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી હટી શકે છે. જોકે, આશ્ચર્યજનક રીતે ૨૫ જાન્યુઆરીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ માટે પોતાની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત પણ કરી દીધી હતી. હવે એક તરફ ટીમની પસંદગી અને બીજી તરફ વડાપ્રધાનના નિર્ણયની રાહ, આ બેવડી નીતિને કારણે આઈસીસી પણ મૂંઝવણમાં મુકાઈ શકે છે.
જો પાકિસ્તાન સરકાર રમવા માટે ના પાડે છે, તો આઈસીસીએ પાકિસ્તાનના સ્થાને અન્ય કોઈ ટીમને તક આપવી પડશે. હવે સમગ્ર ક્રિકેટ જગતની નજર શુક્રવાર અથવા સોમવારે લેવાનારા પાકિસ્તાન સરકારના આખરી નિર્ણય પર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
