<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

અમરાવતીમાં પ્રજાસત્તાક પર્વે ખળભળાટ : ન્યાય ન મળતા કલેક્ટર કચેરી સામે મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

લાખોની છેતરપિંડી મામલે તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળેલી પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ કરી ચેતવણી આપ્યા બાદ આત્મઘાતી પગલું ભર્યું : સતર્ક પોલીસે પેટ્રોલની કેન છીનવી મહિલાનો જીવ બચાવ્યો

અમરાવતી : દેશ જ્યારે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મગ્ન હતો, ત્યારે મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાંથી વહીવટી તંત્રને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. ન્યાય માટે લાંબા સમયથી ભટકી રહેલી એક મહિલાએ પ્રજાસત્તાક પર્વના દિવસે જ જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય દ્વાર પાસે આત્મવિલોપનનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ઘટનાસ્થળે હાજર પોલીસ જવાનોની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી હતી.
ન્યાયની આશા ઠગારી નીવડતા અંતિમ કદમ:
આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાની ઓળખ ઉષા ગોંડાને તરીકે થઈ છે. પીડિતાનો ગંભીર આરોપ છે કે કેટલાક શખ્સોએ તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ છેતરપિંડીના મામલે તે લાંબા સમયથી પોલીસ સ્ટેશન અને વહીવટી કચેરીઓના ધક્કા ખાઈ રહી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી ન થતા તે ભારે હતાશામાં હતી. ઉલ્લેખનીય છે કે, ઉષા ગોંડાનેએ આ પગલું ભરતા પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજીને તંત્રને આત્મવિલોપન કરવાની જાહેરમાં ચીમકી પણ આપી હતી.
પોલીસની બહાદુરીથી બચ્યો જીવ:
આજે સવારે જ્યારે ઉષા ગોંડાને પેટ્રોલની કેન લઈને કલેક્ટર ઓફિસ પહોંચી ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. જેવી તેણે પોતાની ઉપર જલદ પ્રવાહી છાંટવાનું શરૂ કર્યું, ગાડગે નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓ અમોલ પાટીલ, સ્નેહલ રાઉત અને પલ્લવી ગણેશ સહિતના જવાનોએ પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના મહિલાને પકડી લીધી હતી અને તેની પાસેથી પેટ્રોલની કેન આંચકી લીધી હતી.
તંત્ર સામે ઉઠ્યા સવાલો:
પોલીસે હાલમાં આ મહિલાને વધુ પૂછપરછ માટે ફ્રેઝરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપી છે. જોકે, પ્રજાસત્તાક પર્વના પવિત્ર દિવસે એક પીડિતાને ન્યાય મેળવવા માટે આ પ્રકારે જીવ જોખમમાં મૂકવો પડે, તે વહીવટી તંત્ર અને પોલીસની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉભા કરે છે. આ ઘટનાને પગલે સમગ્ર અમરાવતીમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે કેમ એક મહિલાને જાહેરમાં આત્મવિલોપનની ચેતવણી આપ્યા બાદ પણ તંત્ર દ્વારા અગાઉથી કોઈ પગલાં લેવામાં ન આવ્યા.

(8:46 PM IST)