<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

પર્વતો બન્યા 'સફેદ સ્વર્ગ': ઉત્તર ભારતમાં હિમવર્ષાનો પ્રચંડ ધડાકો : પ્રવાસીઓ ઉમટ્યા અને રસ્તાઓ થંભી ગયા!

ડિસેમ્બરની સુકી ઠંડી બાદ જાન્યુઆરીના અંતમાં કુદરત ખીલી ઉઠી: જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ સુધી બરફની જાડી ચાદર પથરાઈ : સ્કીઈંગ પ્રેમીઓ માટે ઔલી બન્યું હોટસ્પોટ તો ટ્રાફિક જામ અને થીજી ગયેલી નદીઓએ વધારી મુશ્કેલીઓ

શ્રીનગર :  હિમાલયની ગોદમાં આવેલા રાજ્યોમાં લાંબી રાહ જોયા બાદ આખરે કુદરતે તેની સફેદ મખમલી ચાદર પાથરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને ડોડાથી લઈને ઉત્તરાખંડના ઔલી અને મસૂરી સુધી, દરેક જગ્યાએ રૂ જેવા સફેદ બરફના પહાડો જોવા મળી રહ્યા છે. કાશ્મીરમાં નદીઓ અને ધોધ થીજીને કાચ જેવા બની ગયા છે, જ્યારે રાજૌરી અને કિશ્તવાડમાં પ્રકૃતિનું આ રૌદ્ર પણ સુંદર સ્વરૂપ જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે. ભલે આ દ્રશ્ય જોવામાં સ્વર્ગ સમાન લાગે, પણ હાડ થીજવતી ઠંડીએ સામાન્ય જનજીવનને બરફની જેમ જામ કરી દીધું છે.

બરફવર્ષાની આ મોસમ પ્રવાસીઓ માટે ઉત્સવ લઈને આવી છે, પરંતુ વહીવટીતંત્ર માટે તે પડકાર સાબિત થઈ રહી છે. દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાંથી પ્રવાસીઓનો એટલો મોટો ધસારો વધ્યો છે કે મસૂરી અને ચક્રાતા જેવા હિલ સ્ટેશનો પર કિલોમીટરો લાંબા ટ્રાફિક જામ સર્જાયા છે. અનેક પ્રવાસીઓ કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહ્યા છે અને હોટલ બુકિંગ ન હોવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ઔલીમાં સ્કીઈંગનો આનંદ લેવા પહોંચેલા લોકો માટે આ સોનામાં સુગંધ ભળવા જેવી સ્થિતિ છે, પરંતુ ખોરાક અને પાણીની અછત પ્રવાસીઓ માટે ચિંતાનો વિષય બની છે.

આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભારતની રક્ષા કરતા જવાનોએ દેશભક્તિનો અદભૂત નજારો પેશ કર્યો છે. સિયાચીન અને કેદારનાથ જેવા અતિશય ઠંડા વિસ્તારોમાં, જ્યાં ૪ ફૂટ સુધી બરફ જમા થયો છે, ત્યાં ITBP અને CRPF ના જવાનોએ ગર્વભેર ત્રિરંગો લહેરાવીને દેશની આન-બાન-શાન જાળવી રાખી છે. હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આગામી દિવસોમાં હજુ વધુ હિમવર્ષાની આગાહી હોવાથી, જે લોકો પર્વતો તરફ જવાનું વિચારી રહ્યા છે તેમને સાવચેતી રાખવા અને પૂરતી તૈયારી સાથે નીકળવા સલાહ આપવામાં આવી છે.

(9:34 PM IST)