<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

બિહારમાં પ્રજાસત્તાક પર્વે 'રાષ્ટ્રપ્રેમ' ના બદલે 'જિન્ના અમર રહે' ના નારા! : દેશદ્રોહી સૂત્રોચ્ચાર કરનાર શિક્ષક જેલના સળિયા પાછળ

સુપૌલની હાઈસ્કૂલમાં ધ્વજવંદન બાદ ગૂંજ્યા પાકિસ્તાનના સ્થાપકના નામનો જયઘોષ: મુખ્ય શિક્ષકની સમયસૂચકતા અને વિદ્યાર્થીઓની સાક્ષીએ રાષ્ટ્ર વિરોધી કૃત્યનો પર્દાફાશ કર્યો : પોલીસે આરોપી મોહમ્મદ મન્સૂર આલમની ધરપકડ કરી તપાસ તેજ કરી

સુપૌલ  :  ભારત જ્યારે પોતાનો 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું હતું, ત્યારે બિહારના સુપૌલ જિલ્લાના કિશનપુર બ્લોકમાં એક શરમજનક ઘટના બની. અભુવર હાઈસ્કૂલમાં જ્યારે રાષ્ટ્રગીત પૂરું થયું અને ચારેબાજુ દેશભક્તિનો માહોલ હતો, ત્યારે અચાનક શિક્ષક મોહમ્મદ મન્સૂર આલમે મોહમ્મદ અલી જિન્નાના સમર્થનમાં નારા લગાવવાનું શરૂ કરી દીધું. "જિન્ના અમર રહે" ના નારા સાંભળતા જ ત્યાં હાજર વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય શિક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા. પવિત્ર રાષ્ટ્રીય તહેવારના અવસરે આ પ્રકારની હરકતે શૈક્ષણિક સંસ્થાની ગરિમાને કલંકિત કરી છે.

આ ઘટના બાદ શાળા પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો. જાગૃત વિદ્યાર્થીઓએ તુરંત આ બાબતે વાંધો ઉઠાવ્યો અને કેટલાક લોકોએ આ સમગ્ર કૃત્યનો પુરાવો પણ એકત્રિત કર્યો. શાળાના મુખ્ય શિક્ષકે જરા પણ વિલંબ કર્યા વગર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સામે કડક વલણ અપનાવ્યું અને કિશનપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ પુષ્ટિ કરી છે કે આ શિક્ષકે જાણીજોઈને શાંતિ ડહોળવા અને રાષ્ટ્રીય ભાવનાને ઠેસ પહોંચાડવા આ કૃત્ય કર્યું હતું.

હાલમાં આ મામલો સમગ્ર બિહારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક તરફ જ્યાં દેશના સૈનિકો અને નાગરિકો તિરંગાના સન્માનમાં મસ્તક નમાવે છે, ત્યાં એક શિક્ષક દ્વારા કરવામાં આવેલું આ પાતિત કૃત્ય શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે સખતમાં સખત કાયદાકીય પગલાં ભરવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ શૈક્ષણિક સંસ્થાઓમાં બેસીને આવી રાષ્ટ્ર વિરોધી માનસિકતા ફેલાવવાની હિંમત ન કરે.

(9:37 PM IST)