<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

પ્રજાસત્તાક પર્વે પ્રોટોકોલ વિવાદ : રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને ત્રીજી હરોળમાં બેસાડાતા કોંગ્રેસ લાલઘૂમ : ભાજપનો પલટવાર

વિપક્ષી નેતાઓનું અપમાન લોકશાહી માટે ઘાતક : કોંગ્રેસે અડવાણીના સમયના ફોટા શેર કરી સરકાર પર નિશાન સાધ્યું : ભાજપે કહ્યું - ‘પરિવારવાદ અને અહંકાર બંધ કરો, બેઠક વ્યવસ્થા નક્કી કરેલા ફોર્મેટ મુજબ જ છે’

નવી દિલ્હી : કર્તવ્ય પથ પર આયોજિત ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય પરેડ દરમિયાન વિપક્ષી નેતાઓની બેઠક વ્યવસ્થાને લઈને દેશમાં નવો રાજકીય સંગ્રામ છેડાયો છે. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેને પરેડમાં ત્રીજી હરોળમાં બેસાડવામાં આવતા કોંગ્રેસે તેને 'પ્રોટોકોલનો ભંગ' અને લોકશાહીનું અપમાન ગણાવ્યું છે.
કોંગ્રેસના આકરા પ્રહાર: ‘આ લઘુતાગ્રંથિથી પીડાતી સરકાર છે’
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, શું વિપક્ષી નેતાઓ સાથે આવો વ્યવહાર કોઈ મર્યાદા કે પરંપરાને અનુરૂપ છે? આ સરકારની હતાશા અને લઘુતાગ્રંથિ દર્શાવે છે. કોંગ્રેસ નેતા વિવેક તંખાએ પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, સુષ્મા સ્વરાજ કે અરુણ જેટલી જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેમની સાથે ક્યારેય આવો વ્યવહાર થયો નહોતો. આ બંધારણીય સંસ્થાઓનું અપમાન છે.
જૂની તસવીરો દ્વારા પ્રોટોકોલ પર સવાલ:
લોકસભામાં કોંગ્રેસના વ્હીપ માણિકમ ટાગોરે વર્ષ ૨૦૧૪ની એક જૂની તસવીર શેર કરી હતી, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી અને સોનિયા ગાંધી પ્રથમ હરોળમાં સાથે બેઠેલા જોવા મળે છે. ટાગોરે પૂછ્યું હતું કે, જો અગાઉના સમયમાં આવી ગરિમા જળવાતી હતી, તો અત્યારે મોદી-શાહની જોડી કેમ ખડગે અને રાહુલ ગાંધીનું અપમાન કરી રહી છે?
ભાજપનો પલટવાર: ‘સંવિધાન તંત્ર કરતાં પરિવાર તંત્ર મોટું નથી’
સામે પક્ષે ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પલટવાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા લોકો કરતા પોતાના પરિવાર અને પદને ઉપર રાખે છે. બેઠક વ્યવસ્થા ‘ટેબલ ઓફ પ્રિસીડન્સ’ (પ્રોટોકોલ ફોર્મેટ) મુજબ જ નક્કી કરવામાં આવે છે. કેબિનેટના ઘણા વરિષ્ઠ મંત્રીઓ પણ રાહુલ ગાંધીની આસપાસ કે પાછળની હરોળમાં હતા, પરંતુ કોઈએ મુદ્દો બનાવ્યો નથી. પૂનાવાલાએ વધુમાં પૂછ્યું કે, રાહુલ ગાંધી ઉપરાષ્ટ્રપતિ કે મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ જેવા મહત્વના કાર્યક્રમોમાં કેમ ગેરહાજર રહે છે?
બાદમાં બેઠક વ્યવસ્થા બદલાઈ:
નોંધનીય છે કે, કાર્યક્રમ દરમિયાન શરૂઆતમાં મલ્લિકાર્જુન ખડગે ત્રીજી હરોળમાં જોવા મળ્યા હતા, પરંતુ બાદમાં તેમને પ્રથમ હરોળમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની બાજુમાં બેસાડવામાં આવ્યા હતા. જોકે, આ પ્રોટોકોલ વિવાદે પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે.

(10:05 PM IST)