હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
“મારી દીકરી પણ અહીં જ છે...”: કાસ્ટિંગ કાઉચ મુદ્દે મેગાસ્ટાર ચિરંજીવીના નિવેદનથી ફિલ્મી દુનિયામાં ભૂકંપ
ટોલીવુડમાં શોષણના આરોપોને ચિરંજીવીએ ફગાવ્યા: ઇન્ડસ્ટ્રીને અરીસો ગણાવી વ્યક્તિગત વર્તનને જવાબદાર ઠેરવતા સોશિયલ મીડિયા પર ફેન્સ અને ટીકાકારો સામસામે

હૈદરાબાદ: દક્ષિણ ભારતીય સિનેમાના ‘ભીષ્મ પિતામહ’ ગણાતા મેગાસ્ટાર ચિરંજીવીએ કાસ્ટિંગ કાઉચ જેવા સંવેદનશીલ મુદ્દે મૌન તોડતા સિને જગતમાં નવી ચર્ચા છેડાઈ છે. પોતાની ફિલ્મ "મન શંકરા વારા પ્રસાદ ગરુ" ની સફળતાની ઉજવણી દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચ જેવી કોઈ સંસ્કૃતિ અસ્તિત્વમાં જ નથી. ચિરંજીવીએ આ ઉદ્યોગને એક અરીસા સાથે સરખાવતા ઉમેર્યું કે, "તમે જે વ્યવહાર કરો છો, તેવું જ પ્રતિબિંબ તમને પાછું મળે છે." તેમના આ નિવેદને ખાસ કરીને એવા સમયે વિવાદ પેદા કર્યો છે જ્યારે ઘણી અભિનેત્રીઓ જાહેરમાં આવીને પોતાના ખરાબ અનુભવો શેર કરી રહી છે.
પોતાના પક્ષને મજબૂત કરવા માટે ચિરંજીવીએ ભાવુક કાર્ડ રમતા પોતાની પુત્રીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ગર્વથી કહ્યું કે, "મારી પોતાની દીકરી પણ આ ઉદ્યોગનો હિસ્સો છે અને અહીં કામ કરે છે." મેગાસ્ટારના મતે, જે કલાકારો પોતાના નિયમોમાં રહે છે, પ્રામાણિકતાથી કામ કરે છે અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમનું શોષણ થવાની શક્યતા નહિવત હોય છે. તેમણે દલીલ કરી હતી કે કોઈપણ વ્યવસાયની જેમ સિનેમામાં પણ બધું વ્યક્તિગત વર્તન પર નિર્ભર છે, તેથી સમગ્ર ઇન્ડસ્ટ્રીને એક જ લાકડીએ હાંકવી અને તેને સમસ્યારૂપ ગણાવવી તે તદ્દન ખોટું છે.
જોકે, ચિરંજીવીનો આ બચાવ સોશિયલ મીડિયા યુઝર્સના ગળે ઉતર્યો નથી. ઇન્ટરનેટ પર લોકોએ તેમને આડેહાથ લેતા પૂછ્યું છે કે, એક સ્થાપિત પરિવારના સભ્ય હોવાને કારણે તેમની પુત્રીને જે સુરક્ષા મળે છે, શું તે સુરક્ષા બહારથી આવતા (આઉટસાઈડર્સ) કલાકારોને મળે છે ખરી? ટીકાકારોનું કહેવું છે કે ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચના અસ્તિત્વનો સંપૂર્ણ ઇનકાર કરવો એ પીડિતોના સંઘર્ષની મજાક ઉડાવવા સમાન છે. અનેક યુઝર્સે લખ્યું કે સ્ટાર કિડ્સ માટે પરિસ્થિતિ અલગ હોય છે, પરંતુ સામાન્ય પરિવારમાંથી આવતી યુવતીઓ માટે સફળતાનો રસ્તો ઘણીવાર અસ્વસ્થતાભરી શરતોથી ભરેલો હોય છે.
આ વિવાદ હવે સોશિયલ મીડિયા પર બે જૂથોમાં વહેંચાઈ ગયો છે. એક તરફ ચિરંજીવીના સમર્થકો છે જેઓ માને છે કે વ્યક્તિની મર્યાદા અને સીમાઓ જ તેને સુરક્ષિત રાખે છે, જ્યારે બીજી તરફ એવા લોકો છે જેઓ માને છે કે પાવરફુલ લોકો સામે 'ના' કહેવું દરેક માટે સરળ હોતું નથી. ફાતિમા સના શેખ અને સૈયામી ખેર જેવી અભિનેત્રીઓએ અગાઉ દક્ષિણ ભારતીય ઉદ્યોગના કાળા સચ્ચાઈ વિશે જે ખુલાસા કર્યા હતા, તે જોતા ચિરંજીવીનું આ નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં આ મામલે અન્ય મોટા સ્ટાર્સ શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની નજર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
