હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પદ્મ પુરસ્કાર પર મહારાષ્ટ્રમાં સંગ્રામ: ભગતસિંહ કોશ્યારીના સન્માનથી વિપક્ષ લાલઘૂમ, ફડણવીસે કહ્યું- "આ તો નાના મનના લોકોનું કામ"
કોશ્યારીને પદ્મ ભૂષણ મળતા સંજય રાઉતે બંધારણની હત્યા ગણાવી તો ડેપ્યુટી સીએમ ફડણવીસે પૂર્વ રાજ્યપાલના રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણનો બચાવ કરી વિપક્ષી નેતાઓને આડેહાથ લીધા

મુંબઈ:મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત થતા જ રાજ્યના રાજકારણમાં નવો ફાટાફાટ સર્જાયો છે. આ સન્માનને લઈને શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસે આકરો વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષી નેતાઓના પ્રહારોનો વળતો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મેદાનમાં આવીને ટીકાકારોને 'નાના મનના લોકો' ગણાવ્યા છે. ફડણવીસે ભારપૂર્વક કહ્યું હતું કે કોશ્યારીએ પોતાનું સમગ્ર જીવન દેશસેવામાં સમર્પિત કર્યું છે અને સૈનિકો માટે 'વન રેન્ક વન પેન્શન' જેવા મહત્ત્વના મુદ્દાઓના ઉકેલમાં પાયાની ભૂમિકા ભજવી છે.
સામે પક્ષે શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે આ નિર્ણયને લોકશાહી અને મહારાષ્ટ્રના અસ્મિતા પર પ્રહાર ગણાવ્યો છે. રાઉતે આક્ષેપ કર્યો હતો કે કોશ્યારીએ પોતાના કાર્યકાળ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ અને જ્યોતિબા ફુલે જેવા મહાપુરુષોનું અપમાન કર્યું હતું, તેમ છતાં તેમને સન્માનિત કરવા તે દુર્ભાગ્યપૂર્ણ છે. રાઉતે વધુમાં તીખો હુમલો કરતા કહ્યું કે, કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેની બહુમતી સરકારને તોડીને ભાજપને સત્તા અપાવવા માટે બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું, અને આ પદ્મ પુરસ્કાર કદાચ તે જ 'સેવા'નું ફળ છે.
રાજકીય નિવેદનબાજી વચ્ચે સંજય નિરુપમે સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભગતસિંહ કોશ્યારી માત્ર રાજ્યપાલ જ નહીં પરંતુ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જમીની સ્તરના લોકપ્રિય નેતા રહ્યા છે. સંઘના સ્વયંસેવક તરીકે તેમણે દાયકાઓ સુધી જે સામાજિક કાર્ય કર્યું છે તેને આ સન્માન દ્વારા યોગ્ય ન્યાય મળ્યો છે. નિરુપમે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, રાજકીય મતભેદોને કારણે કોઈના વર્ષોના જાહેર જીવનના પ્રદાનને નજરઅંદાજ કરવું એ ઉચિત નથી.
આ વિવાદ હવે મહારાષ્ટ્રના ગલી-કૂંચીઓથી લઈને દિલ્હી સુધી ગાજી રહ્યો છે. કોંગ્રેસના હર્ષવર્ધન સપકલ અને સુપ્રિયા સુલેએ પણ આ મામલે કેન્દ્ર સરકારની મનસ્વીતા સામે સવાલો ઉઠાવ્યા છે. ફડણવીસે આ વિવાદને વધુ ખેંચવાને બદલે એટલું જ કહીને વાત ટૂંકાવી હતી કે જો ભૂતકાળમાં કોને કયા પુરસ્કારો અપાયા તેની યાદી ખોલીશું તો વિપક્ષ પાસે મોઢું બતાવવાની જગ્યા નહીં રહે. આગામી ચૂંટણીઓના માહોલ વચ્ચે કોશ્યારીના નામે શરૂ થયેલું આ 'પદ્મ-યુદ્ધ' મહારાષ્ટ્રમાં મતોના ધ્રુવીકરણમાં કેવો ભાગ ભજવે છે તે જોવું રહ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
