<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

સુરગુજામાં ‘તરુણ’ બનીને આવ્યો મોહમ્મદ: સોશિયલ મીડિયા પર આદિવાસી યુવતીઓને શિકાર બનાવતું ‘લવ જેહાદ’નું નેટવર્ક પકડાયું

રેલવે અધિકારીની ખોટી ઓળખ આપી અનેક મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર પટનાનો મોહમ્મદ મહફૂઝ આખરે જેલના સળિયા પાછળ

અંબિકાપુર:છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ છુપાવી આદિવાસી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. બિહારના પટનાનો રહેવાસી મોહમ્મદ મહફૂઝ નામનો યુવક ફેસબુક પર 'તરુણ પૈકરા' અને 'સ્વરાજ પૈકરા' જેવા હિન્દુ નામો ધારણ કરી નિર્દોષ યુવતીઓનું શારીરિક અને આર્થિક શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પોતાની ઓળખ બિલાસપુર રેલવેમાં મોટા અધિકારી તરીકે આપતો હતો, પરંતુ હકીકતમાં તે પટનાની એક કપડાની દુકાનમાં સામાન્ય સેલ્સમેન તરીકે કામ કરતો હતો. ગાંધીનગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે અંબિકાપુરની એક બહાદુર આદિવાસી મહિલાએ આરોપીની ગતિવિધિઓ પર શંકા કરી. આરોપી મહિલાને લગ્નની લાલચ આપી હોટલમાં મળવા બોલાવી હતી અને ત્યાં પણ તેણે નકલી ઓળખપત્ર રજૂ કર્યું હતું. જોકે, તક મળતા જ મહિલાએ આરોપીનો મોબાઈલ ચેક કર્યો તો તેમાં અનેક હિન્દુ યુવતીઓ સાથેની આપત્તિજનક ચેટ મળી આવી હતી. ત્યારબાદ મહિલાએ તેની બેગ તપાસતા તેમાંથી મોહમ્મદ મહફૂઝના નામનું અસલી આધાર કાર્ડ મળી આવ્યું હતું. સત્ય સામે આવતા જ મહિલાએ સમયસૂચકતા વાપરી પોતાના મિત્રો અને પોલીસને જાણ કરી, જેનાથી આ 'લવ જેહાદ'ના ખેલનો અંત આવ્યો હતો.

પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. આરોપી માત્ર એક નહીં પરંતુ સુરગુજા ક્ષેત્રની ઓછામાં ઓછી ત્રણ મહિલાઓને પોતાની જાળમાં ફસાવી ચૂક્યો હતો. એક માઇક્રોફાઇનાન્સ કંપનીમાં કામ કરતી મહિલા પાસેથી તેણે અંદાજે ₹54,000 ની છેતરપિંડી પણ કરી હતી. પોલીસને આરોપીના મોબાઈલમાંથી અસંખ્ય નકલી આઈડી, મહિલાઓના ફોટા અને ભ્રમિત કરનારી વાતચીતના પુરાવા મળ્યા છે. તપાસમાં એ પણ ખૂલ્યું છે કે તે ખાસ કરીને આદિવાસી યુવતીઓને નિશાન બનાવતો હતો જેથી તેમનો વિશ્વાસ જીતી શકાય અને બાદમાં તેમને બ્લેકમેલ કરી શકાય.

ઘટનાની ગંભીરતાને જોતા અંબિકાપુર શહેરના પોલીસ અધિક્ષક રાહુલ બંસલ (IPS) એ જણાવ્યું હતું કે આરોપીએ જાણીજોઈને પોતાની ધાર્મિક અને વ્યવસાયિક ઓળખ છુપાવી યુવતીઓનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો છે. આ કેસમાં કડક કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, આ બનાવને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ.

(10:33 PM IST)