હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોત સામે જંગ અને પંપ કર્મી બન્યો ‘દેવદૂત’: CNG સ્ટેશન પર કાર ચાલકને આવ્યો એટેક, કર્મચારીએ સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો
સીએનજી પંપ પર રીતસરના મોતની એન્ટ્રી અને જિંદગીની જીત: ડ્રાઈવર ઢળી પડતા જ કર્મચારી અરમાન ખાને સતત CPR આપીને થંભી ગયેલા ધબકારા પાછા લાવ્યા

ગ્વાલિયર : મધ્યપ્રદેશના ગ્વાલિયર નજીક ડાબરા હાઈવે પર આવેલા શ્રી રામ ફિલિંગ સ્ટેશન પર મોત અને જિંદગી વચ્ચેના જંગના રૂંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પરથી પસાર થતી એક કારનો ચાલક જેવો ગેસ પુરાવવા માટે પંપ પર થોભ્યો, ત્યાં જ અચાનક કાળ બનીને હાર્ટ એટેક ત્રાટક્યો હતો. કાર ચાલક કઈ સમજે તે પહેલા જ તે સ્ટીયરિંગ પર ઢળી પડ્યો હતો. જોકે, આ કટોકટીની પળે પંપ પર ફરજ બજાવતા કર્મચારી અરમાન ખાન માટે માનવતા સૌથી મોટો ધર્મ બની ગઈ હતી અને તેણે પળવારનો પણ વિલંબ કર્યા વગર ચાલકની વહારે દોડી જઈ તેનો જીવ બચાવ્યો હતો.
ઘટનાની વિગતો મુજબ, કાર ચાલક પોતાની ગાડીમાં સીએનજી પુરાવીને પંપ પરથી રવાના થવાની તૈયારીમાં જ હતો, ત્યારે જ તેને છાતીમાં સખત દુખાવો ઉપડ્યો અને તે બેભાન થઈ ગયો. પંપ પર હાજર અન્ય લોકો કંઈ સમજે તે પહેલા જ અરમાન ખાને પરિસ્થિતિની ગંભીરતા પારખી લીધી હતી. ચાલકના ધબકારા થંભી રહ્યા હોવાનું જણાતા અરમાને તરત જ તેને કારમાંથી બહાર કાઢ્યો અને જમીન પર સુવડાવી સીપીઆર (CPR) આપવાનું શરૂ કર્યું. આસપાસના લોકો સ્તબ્ધ થઈને જોઈ રહ્યા હતા ત્યારે અરમાન પૂરી તાકાત અને સમજદારીથી ચાલકની છાતી પર પંપિંગ કરી રહ્યો હતો.
થોડી મિનિટો સુધી સતત સીપીઆર આપ્યા બાદ ચમત્કાર સર્જાયો હતો. ડ્રાઈવરના શરીરમાં હલચલ જોવા મળી અને તે ફરીથી ભાનમાં આવ્યો. આ સમગ્ર રક્ષણની પ્રક્રિયા પંપ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો અરમાન ખાનની આ બહાદુરી અને સમયસૂચકતાના ભરપૂર વખાણ કરી રહ્યા છે. જે રીતે તેણે ગભરાયા વગર તબીબી પ્રાથમિક સારવાર આપી, તેણે સાબિત કરી દીધું કે સાચા સમયે લીધેલો સાચો નિર્ણય કોઈના પરિવારનો માળો વિખેરાતા બચાવી શકે છે.
ચાલક સંપૂર્ણ ભાનમાં આવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તબીબોએ પણ સ્વીકાર્યું છે કે જો પંપ પર તાત્કાલિક સીપીઆર ન મળ્યું હોત, તો ચાલકનો જીવ બચાવવો મુશ્કેલ હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પ્રાથમિક સારવારનું જ્ઞાન દરેક નાગરિક માટે કેટલું અનિવાર્ય છે. અત્યારે ગ્વાલિયર પંથકમાં અરમાન ખાનને એક રીયલ લાઈફ હીરો તરીકે જોવામાં આવી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
