<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

તેલંગાણામાં રખડતા શ્વાનોનો ‘નરસંહાર’ : વધુ ૨૦૦ કુતરાઓને ઝેર આપી મોતને ઘાટ ઉતારાયા : રાજ્યમાં મૃતાંક ૧૦૦૦ પર પહોંચ્યો

ચૂંટણી વચનો પૂરા કરવા સરપંચોએ શ્વાનોને મારવા માટે પ્રોફેશનલ્સને સોંપી સોપારી : હનમકોંડાના પાથિપાકા ગામમાં પંચાયત સેક્રેટરીના આદેશથી રાત્રિના સમયે ઈન્જેક્શન આપી કરાઈ સામૂહિક હત્યા : પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ

હૈદરાબાદ :દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રાજ્યના વિવિધ ગામડાઓમાં રખડતા શ્વાનોને સામૂહિક રીતે મોતને ઘાટ ઉતારવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તાજેતરમાં હનમકોંડા જિલ્લાના શાયમપેટ મંડળના પાથિપાકા ગામમાં વધુ ૨૦૦ શ્વાનોની શંકાસ્પદ હત્યાનો મામલો સપાટી પર આવતા રાજ્યમાં છેલ્લા એક મહિનામાં મારવામાં આવેલા શ્વાનોનો કુલ આંકડો ૧૦૦૦ ને પાર કરી ગયો છે.
ચૂંટણી જીતવા માટે ‘મૂંગા પશુઓ’નો ભોગ લેવાયો:
પ્રાણી કલ્યાણ કાર્યકરો અને ઇમિગ્રેશન એક્સપર્ટ્સના મતે, આ ભયાનક હત્યાકાંડ પાછળ તાજેતરમાં યોજાયેલી પંચાયત ચૂંટણીના વચનો જવાબદાર છે. અનેક ઉમેદવારોએ મતદારોને વચન આપ્યું હતું કે જો તેઓ જીતશે તો ગામને કુતરા અને વાંદરાઓના ત્રાસમાંથી મુક્ત કરાવશે. હવે સત્તામાં આવેલા નવા સરપંચો પ્રોફેશનલ કિલરોને હાયર કરી રહ્યા છે. આ શિકારીઓ રાત્રિના સમયે જ્યારે શ્વાનો સૂતા હોય છે ત્યારે તેમને ઝેરી સિરીંજ (ઈન્જેક્શન) મારે છે, જેનાથી થોડી જ મિનિટોમાં શ્વાનનું મૃત્યુ થાય છે.
૫૦૦ રૂપિયામાં અપાય છે મોતનો કોન્ટ્રાક્ટ:
સ્ટેટ એનિમલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (SAFI) ના સભ્ય એ. ગૌતમે સોમવારે ગામની મુલાકાત લીધા બાદ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રોફેશનલ કિલરો દરેક કુતરાને મારવા અને તેનો નિકાલ કરવા માટે પંચાયત પાસેથી અંદાજે ૫૦૦ રૂપિયા વસૂલે છે. પાથિપાકા ગામમાં પંચાયત સેક્રેટરીના સીધા આદેશથી ૨૦૦ શ્વાનોને મારીને ગામની બહાર એક ચોક્કસ જગ્યાએ દફનાવી દેવામાં આવ્યા હતા. SAFI ની ટીમે આ સ્થળની ખાતરી કર્યા બાદ પોલીસમાં પંચાયત સેક્રેટરી અને હત્યારાઓ વિરુદ્ધ FIR નોંધવા અરજી કરી છે.
૧૫ દિવસમાં ચાર મોટી ઘટનાઓ:
તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસમાં આવી અંદાજે ચાર મોટી ઘટનાઓ બની છે, જેમાં આશરે ૯૦૦ થી વધુ શ્વાનોના જીવ લેવાયા છે. વાંદરાઓને પકડીને જંગલમાં છોડી દેવામાં આવે છે, પરંતુ શ્વાનોને સીધા ઝેર આપીને પતાવી દેવાની પદ્ધતિએ પ્રાણી અધિકારો માટે લડતી સંસ્થાઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે.
આ મામલે પશુપાલન વિભાગ અને રાજ્ય સરકારની મૌન ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પ્રાણીપ્રેમીઓએ માગ કરી છે કે આ પ્રકારના ગેરકાયદેસર હત્યાકાંડ રોકવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

(10:38 PM IST)