હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માતૃપ્રેમની પરાકાષ્ઠા: રાજસ્થાનમાં હૃદયદ્રાવક ઘટના : માતાના નિધન બાદ પુત્ર અને પુત્રીએ પણ ત્યાગ્યા પ્રાણ : એક જ પરિવારમાં ત્રણ મોતથી લોકો સ્તબ્ધ!
માંદગીને કારણે માતાએ વિદાય લેતા જ સંતાનોનો સંસાર ઉજ્જડ થયો: આઘાતમાં સરી પડેલી દીકરીએ ઘરમાં ફાંસો ખાધો, તો માતા-બહેનના મોતના સમાચાર સાંભળી પુત્રએ ટ્રેન નીચે પડતું મૂક્યું

લાડનુન : રાજસ્થાનના નાગૌરમાં એક એવો હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે સાંભળીને પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ જાય. માલી મોહલ્લાના રહેવાસી 80 વર્ષીય ખીવની દેવી લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. સીકરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ સમાચાર એક પછી એક આખા પરિવારને કાળના મુખમાં ધકેલી દેશે. માતાના મૃત્યુના સમાચાર મળતા જ સંતાનો પર જાણે આભ તૂટી પડ્યું અને આઘાતમાં તેમણે જીવ ટૂંકાવવાનો આત્મઘાતી નિર્ણય લીધો.
આ કરુણ ઘટનામાં સૌથી પહેલા દીકરી કિરણ સ્વામી (54) એ પોતાની માતાના વિરહમાં ઘરના પંખા સાથે લટકીને જીવનલીલા સંકેલી લીધી. હજુ તો પરિવાર આ આઘાતમાંથી બહાર આવે તે પહેલા સીકરમાં રહેતા પુત્ર ઓમપ્રકાશ સ્વામી (49) સુધી આ બેવડા મોતના સમાચાર પહોંચ્યા. અપરિણીત ઓમપ્રકાશ પોતાની માતા અને બહેન પ્રત્યે અત્યંત લાગણીશીલ હતો. બંનેના મોતના સમાચાર સાંભળતા જ તે માનસિક રીતે ભાંગી પડ્યો અને સીકર રેલ્વે લાઇન પર ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. એક જ દિવસમાં માતા અને બે સંતાનોના કરુણ મોતે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે.
સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોમવારે પોસ્ટમોર્ટમ બાદ જ્યારે કિરણ સ્વામી અને પરિવારના સભ્યોની અંતિમવિધિ કરવામાં આવી, ત્યારે આખું લાડનુન શહેર શોકમાં ડૂબી ગયું હતું. શિક્ષણ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મોટા પુત્ર ઘનશ્યામ સ્વામી પર હવે આખા પરિવારના સભ્યોને ગુમાવવાનું દુઃખ આવી પડ્યું છે. આ ઘટના સમાજ માટે એક ગંભીર ચેતવણી છે કે અચાનક આવતા માનસિક આઘાત સમયે પરિવારના સભ્યોને સાચવવા કેટલા અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
