<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

એઆર રહેમાનના 'ધર્મ' કાર્ડ પર 'રામ'નો પ્રહાર: અરુણ ગોવિલે પૂછ્યું- જો ભેદભાવ હોત તો ખાન ત્રિપુટી સુપરસ્ટાર કેવી રીતે બની?

સંગીત સમ્રાટ રહેમાનના વિવાદાસ્પદ નિવેદનથી બોલિવૂડ બે ભાગમાં વહેંચાયું: અનુપ જલોટાએ 'ઘર વાપસી'ની સલાહ આપી તો અરુણ ગોવિલે દિલીપ કુમારથી લઈને શાહરૂખ-સલમાનના ઉદાહરણ આપી ઉદ્યોગમાં ધાર્મિક ભેદભાવની વાતોને ફગાવી દીધી

મુંબઈ: ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાનના એક નિવેદને ફિલ્મ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. રહેમાને આડકતરી રીતે સંકેત આપ્યો હતો કે તેમને કામ મળવામાં ઘટાડો થયો છે તેની પાછળ તેમનો ધર્મ એક કારણ હોઈ શકે છે. આ નિવેદન સામે હવે 'રામાયણ'ના રામ એટલે કે અરુણ ગોવિલે મોરચો સંભાળ્યો છે. અરુણ ગોવિલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ફિલ્મ ઉદ્યોગ કદાચ દેશનું એકમાત્ર એવું ક્ષેત્ર છે જ્યાં ક્યારેય ધર્મના આધારે ભેદભાવ થયો નથી. તેમણે રહેમાનના દાવાને પાયાવિહોણો ગણાવતા કહ્યું કે, બોલિવૂડમાં પ્રતિભા હંમેશા ધર્મથી ઉપર રહી છે.

પોતાના તર્કને મજબૂત બનાવવા માટે અરુણ ગોવિલે ઈતિહાસના પાના ઉથલાવતા દિલીપ કુમારથી લઈને આજના સમયના 'ખાન' સુપરસ્ટાર્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો આ ઉદ્યોગમાં ખરેખર ધર્મના આધારે કામ મળતું હોત, તો શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન દાયકાઓ સુધી ભારતીય સિનેમાના સિંહાસન પર કેવી રીતે બિરાજમાન રહ્યા હોત? રહેમાનના નિવેદનને ફગાવતા તેમણે ઉમેર્યું કે, કલાકારની કલા તેને સ્ટાર બનાવે છે, તેની પૂજા કરવાની પદ્ધતિ નહીં. આ વિવાદમાં ભજન ગાયક અનુપ જલોટાએ પણ રહેમાનને સલાહ આપી હતી કે જો તેમને ધર્મને કારણે તકલીફ પડતી હોય તો તેમણે હિન્દુ ધર્મ અપનાવી લેવો જોઈએ.

બીજી તરફ, વિવાદ વધતો જોઈ એઆર રહેમાને પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે કહ્યું કે તેઓ તેમના સંગીત દ્વારા ભારતની વિવિધ સંસ્કૃતિઓને જોડે છે અને ક્યારેય કોઈની લાગણી દુભાવવા માંગતા નથી. જોકે, રહેમાને એમ પણ સ્વીકાર્યું હતું કે જે લોકો સર્જનાત્મક નથી, તેઓ અત્યારે નિર્ણય લેવાની સત્તા પર બેઠા છે અને ત્યાંથી જ આ પ્રકારની વાતો વહેતી થઈ છે. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર ગરમ ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં લોકો બે પક્ષોમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે - એક જે રહેમાનના અનુભવને ટેકો આપે છે અને બીજો જે અરુણ ગોવિલની 'સમાનતા'ની વાત સાથે સંમત છે.

(10:58 PM IST)