<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

અમેરિકામાં ‘વિન્ટર સ્ટોર્મ’ વચ્ચે કાળમુખો વિમાન અકસ્મા : બેન્ગોર એરપોર્ટ પર ટેક-ઓફ વખતે પ્રાઇવેટ જેટ ઊંધું વળ્યું : ૭ ના કમકમાટીભર્યા મોત

ભારે હિમવર્ષા વચ્ચે ટેક્સાસની લો-ફર્મનું બોમ્બાર્ડિયર વિમાન આગના ગોળામાં ફેરવાયું : એક ક્રૂ મેમ્બરનો ચમત્કારિક બચાવ : બુધવાર બપોર સુધી એરપોર્ટની તમામ કામગીરી ઠપ

બેન્ગોર : અમેરિકાના મેઈન (Maine) રાજ્યમાં આવેલા બેન્ગોર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે રાત્રે એક કમકમાટીભરી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. ‘વિન્ટર સ્ટોર્મ ફર્ન’ (Winter Storm Fern) ના કારણે થઈ રહેલી ભારે હિમવર્ષા વચ્ચે ટેક-ઓફ કરી રહેલું એક ખાનગી જેટ રનવે પર જ ઊંધું વળી ગયું હતું અને જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર ૮ લોકોમાંથી ૭ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે.
દુર્ઘટનાનો ઘટનાક્રમ અને એર ટ્રાફિક કંટ્રોલના ઓડિયો:
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે આશરે ૭:૪૫ વાગ્યે ટ્વીન-એન્જિન ટર્બો-ફેન બોમ્બાર્ડિયર ચેલેન્જર ૬૦૦ (Bombardier Challenger 600) વિમાન ટેક-ઓફની તૈયારી કરી રહ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા ક્લિયરન્સ મળ્યાની માત્ર ૪૫ સેકન્ડમાં જ કંટ્રોલ રૂમમાં સંદેશ મળ્યો હતો કે, "એરક્રાફ્ટ ઊંધું વળી ગયું છે, એક પેસેન્જર એરક્રાફ્ટ રનવે પર ઊંધું પડ્યું છે." વિમાન જમીન પર પટકાતાની સાથે જ તેમાં ભયાનક વિસ્ફોટ થયો હતો.
ટેક્સાસની જાણીતી લો-ફર્મનું હતું વિમાન:
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ખાનગી જેટ ટેક્સાસના હ્યુસ્ટન સ્થિત એક પર્સનલ ઇન્જરી લો-ફર્મ (વકીલાતની પેઢી) ના નામે રજિસ્ટર્ડ હતું. વિમાનના માલિક તરીકે તે લો-ફર્મના સ્થાપક ભાગીદારનું નામ સામે આવ્યું છે. મૃતકોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ બચી ગયેલી એકમાત્ર વ્યક્તિ વિમાનના ક્રૂ મેમ્બર હોવાનું જાણવા મળ્યું છે, જે હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ખરાબ હવામાન કે ટેકનિકલ ખામી?
દુર્ઘટના સમયે એરપોર્ટ પર ભારે હિમવર્ષા થઈ રહી હતી, જોકે સત્તાવાળાઓનું કહેવું છે કે તે સમયે અન્ય વિમાનો સુરક્ષિત રીતે ટેક-ઓફ કરી રહ્યા હતા. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આ અકસ્માત બરફના કારણે થયો હતો કે પછી વિમાનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી.
એરપોર્ટ કામગીરી પર અસર:
આ જીવલેણ અકસ્માતને પગલે બેન્ગોર ઈન્ટરનેશનલ એરપોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, તપાસ અને કાટમાળ હટાવવાની કામગીરીને કારણે બુધવારે બપોરે ૧૨ વાગ્યા પહેલા એરપોર્ટ ફરી કાર્યરત થવાની કોઈ શક્યતા નથી. હાલ એફબીઆઈ (FBI) અને એવિએશન સુરક્ષા સંસ્થાઓ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

(11:14 PM IST)