હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બચ્ચન પરિવાર અને રાજકારણના સિક્રેટ્સ: "જયાજી તો મંત્રીઓને પણ ઠપકો આપે છે," રાજીવ શુક્લાનો મોટો ખુલાસો
બિગ-બીની અધૂરી રાજકીય સફરથી લઈને જયા બચ્ચનના આકરા મિજાજ સુધી: રાજીવ શુક્લાએ રેખા અને સચિન તેંડુલકરના સાંસદ તરીકેના કાર્યકાળ પર પણ કર્યા ચોંકાવનારા નિવેદનો

નવી દિલ્હી: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લાએ અમિતાભ અને જયા બચ્ચનના રાજકીય જીવનને લઈને કેટલાક એવા ખુલાસા કર્યા છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજીવ શુક્લાના જણાવ્યા અનુસાર, ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ મિત્રતા ખાતર રાજકારણમાં આવેલા અમિતાભ બચ્ચન જો ૧૯૮૭માં બોફોર્સ કૌભાંડના વિવાદથી ડરીને રાજીનામું ન આપ્યું હોત, તો તેઓ આજે દેશના સૌથી કદાવર નેતાઓમાંના એક હોત. શુક્લાએ જણાવ્યું કે તે સમયે વી.પી. સિંહના હુમલાઓથી અમિતાભ ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા અને ફિલ્મોના શૂટિંગની વ્યસ્તતા વચ્ચે તેમણે આ તણાવપૂર્ણ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું હતું.
અમિતાભ ભલે રાજકારણ છોડી ગયા, પરંતુ તેમના પત્ની જયા બચ્ચન આજે સંસદમાં એક 'ફાયરબ્રાન્ડ' નેતા તરીકે જાણીતા છે. રાજીવ શુક્લાએ જયાજીના શિસ્તબદ્ધ અને કડક સ્વભાવના વખાણ કરતા કહ્યું કે, તેઓ સંસદમાં કોઈની શેહશરમ રાખતા નથી. જો તેમને કંઈ ખોટું લાગે તો તેઓ ગૃહમાં મંત્રીઓ અને અધ્યક્ષોને પણ ઠપકો આપતા અચકાતા નથી. સમાજવાદી પાર્ટીના સાંસદ તરીકે જયા બચ્ચન નિયમિતપણે સંસદીય કાર્યવાહીમાં ભાગ લે છે અને બોલિવૂડમાંથી આવતા તમામ સાંસદોમાં તેઓ સૌથી વધુ સક્રિય અને નિર્ભય નેતા સાબિત થયા છે. તેમની સ્પષ્ટવક્તા ઘણીવાર સંસદમાં ચર્ચાનો વિષય બને છે.
રાજીવ શુક્લાએ અન્ય સેલિબ્રિટી સાંસદોની સરખામણી કરતા રેખા અને સચિન તેંડુલકર વિશે પણ મહત્વની વાત કરી હતી. તેમણે ખુલાસો કર્યો કે રેખા અને સચિન તેંડુલકરે સાંસદ બન્યા હોવા છતાં ક્યારેય સરકારી આવાસ કે અન્ય લક્ઝરી સુવિધાઓનો લાભ લીધો ન હતો. રેખા તો આખા સત્રમાં માંડ એકાદ વાર હાજરી આપતા હતા અને તેમનો કાર્યકાળ પૂરો થતા જ તેમણે રાજકારણથી અંતર બનાવી લીધું હતું. બીજી તરફ, લતા મંગેશકરે પણ સાંસદ તરીકે મળતા ભથ્થા કે MPLADS ના ફંડને સ્પર્શ પણ કર્યો ન હતો, જે તેમની સાદગી અને દેશપ્રેમ દર્શાવે છે.
રાજકારણમાં ગ્લેમર અને ગંભીરતા વચ્ચેના તફાવતને સમજાવતા શુક્લાએ ઉમેર્યું કે, જયાપ્રદાએ રાજકારણમાં લાંબી ઇનિંગ રમવાનો પ્રયાસ કર્યો છે અને તેઓ આજે પણ સખત મહેનત કરી રહ્યા છે. જોકે, અમિતાભ બચ્ચનનું રાજકારણમાંથી બહાર નીકળવું એ ભારતીય રાજનીતિ માટે એક મોટી ખોટ હતી, કારણ કે તેમની લોકપ્રિયતા અને વ્યક્તિત્વ કોઈપણ વિરોધીને માત આપવા સક્ષમ હતું. આ ખુલાસાઓ બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર 'બચ્ચન વર્સિસ પોલિટિક્સ' ની ચર્ચાઓએ જોર પકડ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
