<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

UGC ના ‘ઈક્વિટી’ નિયમો પર ભડકો: શું છે આ વિવાદિત ‘ઈક્વિટી કમિટી’ અને કેમ બરેલીના અધિકારીએ આપ્યું રાજીનામું?

રોહિત વેમુલા કેસ પછી સુપ્રીમ કોર્ટના આદેશથી ઘડાયેલા નવા કાયદામાં OBC નો સમાવેશ અને સામાન્ય શ્રેણીની બાદબાકીથી ભારે હોબાળો: 15 દિવસમાં તપાસ પૂરી કરવાની કડક જોગવાઈ

નવી દિલ્હી: દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વર્ષોથી ચાલતા જાતિ આધારિત ભેદભાવને જડમૂળથી ઉખેડી નાખવા માટે UGC એ ‘પ્રમોશન ઓફ ઈક્વિટી રેગ્યુલેશન્સ 2026’ જાહેર કર્યા છે. આ નિયમોનો પાયો રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા ચર્ચિત કેસ બાદ સુપ્રીમ કોર્ટે આપેલી સૂચનાઓ પર રહેલો છે. નવા નિયમો હેઠળ, દરેક યુનિવર્સિટી અને કોલેજમાં એક ‘ઈક્વિટી કમિટી’ ની રચના કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ સમિતિનું મુખ્ય કામ કેમ્પસમાં થતા જાતિવાદ, સામાજિક બહિષ્કાર અથવા અપમાનજનક વર્તનની ફરિયાદોની તપાસ કરી ત્વરિત ન્યાય અપાવવાનું છે. જોકે, આ નિયમોમાં OBC (અન્ય પછાત વર્ગો) નો સમાવેશ થતા જ વિવાદની જ્વાળાઓ તેજ બની છે.

સૌથી વધુ વિરોધ ‘ઈક્વિટી કમિટી’ ના બંધારણને લઈને થઈ રહ્યો છે. નિયમ મુજબ, આ સમિતિમાં SC, ST, OBC, મહિલાઓ અને દિવ્યાંગોના પ્રતિનિધિઓ હોવા ફરજિયાત છે, પરંતુ સામાન્ય શ્રેણી (General Category) ના સભ્યો માટે કોઈ સ્થાન નિશ્ચિત કરવામાં આવ્યું નથી. વિરોધ કરનારાઓનું કહેવું છે કે સામાન્ય શ્રેણીના પ્રતિનિધિત્વ વગરની આ સમિતિ ‘એકતરફી’ હોઈ શકે છે. આ વિવાદ એટલો વકર્યો છે કે ઉત્તર પ્રદેશના બરેલીમાં એસડીએમ અલંકાર અગ્નિહોત્રીએ આ નિયમોના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ છે, જ્યારે ભાજપના જ કેટલાક સવર્ણ નેતાઓએ પણ આ મામલે અસંતોષ વ્યક્ત કર્યો છે.

નવા નિયમોમાં તપાસની પ્રક્રિયાને ‘સુપરફાસ્ટ’ બનાવવામાં આવી છે. ફરિયાદ મળ્યાના માત્ર 24 કલાકની અંદર સંસ્થાએ એક્શન લેવા પડશે અને ઈક્વિટી કમિટીએ 15 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. જો કોઈ સંસ્થા આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો UGC તેની માન્યતા રદ કરી શકે છે અથવા ગ્રાન્ટ રોકી શકે છે. વિરોધીઓની બીજી મુખ્ય દલીલ એ છે કે અગાઉના ડ્રાફ્ટમાં ‘ખોટી ફરિયાદ’ કરનાર સામે સજાની જોગવાઈ હતી, જે અંતિમ નિયમોમાંથી હટાવી લેવામાં આવી છે. આનાથી શૈક્ષણિક સંસ્થાઓમાં અંગત અદાવત કાઢવા માટે નિયમોનો દુરુપયોગ થવાની અને નિર્દોષોના કરિયર જોખમમાં મુકાવાની આશંકા સેવાઈ રહી છે.

બીજી તરફ, UGC અને સરકાર આ ફેરફારને અનિવાર્ય ગણાવી રહ્યા છે. સંસદીય સમિતિની ભલામણ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ શિક્ષણમાં માત્ર SC/ST જ નહીં, પણ OBC વિદ્યાર્થીઓ પણ માનસિક અને સામાજિક ભેદભાવનો ભોગ બને છે, તેથી તેમને સુરક્ષા કવચ આપવું જરૂરી હતું.

(12:17 AM IST)