<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ભારત અને યુરોપિયન યુનિયનએ મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટો સફળ : 'મધર ઓફ ઓલ ડીલ' પર સંમતિ

ભારત અને યુરોપના દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં ક્રાંતિકારી ફેરફાર : ભારત-EU સમિટ દરમિયાન આ ઐતિહાસિક કરારની સત્તાવાર જાહેરાત થઈ શકે : જાણો ભારતને શું થશે ફાયદો

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતચીતનો અંતિમ તબ્બકો આજે પૂર્ણ થયો છે. સંમતિ સધાઈ જતાં આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.બંને તરફથી આ કરારને 'મધર ઓફ ઓલ ડીલ' ગણાવવા આવી રહ્યો છે. જેનાથી ભારત અને યુરોપના દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં ક્રાંતિકારી ફેરફાર આવવાની આશા બંધાઈ છે. 

છેલ્લા 18 વર્ષથી ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA)ની વાટાઘાટો બાદ 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી ભારત-EU સમિટ દરમિયાન આ ઐતિહાસિક કરારની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાનો યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા ખાસ ભારતની મુલાકાતે છે. પ્રવાસના છેલ્લા દિવસે ભારત અને યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) થઈ શકે છે. હાલમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 191 અરબ ડોલર છે જેને 2030 સુધીમાં 500 અરબ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય મૂકવામાં આવશે. 

 

મધર ઓફ ઓલ ડીલ'ની સૌથી મોટી અસર ઓટોમોબાઈલ સેક્ટર પર પડશે. રિપોર્ટ્સ મુજબ, ભારત યુરોપથી આયાત થતી મોંઘી લક્ઝરી કાર પરની આયાત જકાત (Import Duty) 110  ટકા થી ઘટાડીને 40 ટકા સુધી કરી શકે છે. જેનાથી મર્સિડીઝ, BMW અને ઓડી જેવી લક્ઝરી કારના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે. આ સિવાય યુરોપિયન વાઈન, ચોકલેટ તેમજ પ્રીમિયમ ઈલેક્ટ્રોનિક સામાન પણ સસ્તો થઈ શકે છે.

 

ભારતીય નિકાસકારો માટે ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં યુરોપના બજારો ખુલશે. તેનાથી ભારતમાં લાખો નવી રોજગારીની તકો ઊભી થવાની આશા છે. IT સેક્ટર, નર્સ અને શેફ તરીકે કામ કરનારાને યુરોપ જઈને કામ કરવું સરળ બનશે. સરળ વિઝા પ્રક્રિયા અને વર્ક પરમિટ મોડ 4ની ભારતે માગ કરી છે જેથી મધ્યમ વર્ગની આવકમાં પણ મોટો વધારો થવાના સંકેત છે. જો કે, યુરોપિયન યુનિયન આ મુદ્દે સતર્કતા દાખવી રહ્યું છે. 

(12:15 AM IST)