<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

આગામી સમયમાં વિશ્વ પર તોળાઈ રહ્યું છે તાંબાનું ગંભીર સંકટ: ૨૦૪૦ સુધીમાં ૧ કરોડ ટનની જંગી અછત સર્જાશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર અને ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં તાંબાની માંગ આસમાને પહોંચશે: એશિયામાં સૌથી વધુ ખપત રહેવાની સંભાવના: હવે તાંબાને આગામી સમયની 'વૈશ્વિક વ્યૂહાત્મક કોમોડિટી' (ગ્લોબલ સ્ટ્રેટેજિક કોમોડિટી) તરીકે જોવામાં આવી રહ્યું છે: જેમ ભૂતકાળમાં તેલ માટે યુદ્ધો થયા હતા, તેમ ભવિષ્યમાં તાંબા જેવી મહત્વની ધાતુઓ માટે દેશો વચ્ચે આર્થિક ખેંચતાણ જોવા મળી શકે છે*

નવીદિલ્હી: વર્તમાન સમયમાં વૈશ્વિક અર્થતંત્ર એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં એક ગંભીર ચેતવણી ઉભરીને આવી છે. વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અને કોમોડિટી નિષ્ણાતોના મતે આગામી દોઢ દાયકામાં દુનિયાએ તાંબાની (કોપર) ભયંકર અછતનો સામનો કરવો પડી શકે છે. વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ થયેલા અહેવાલો અનુસાર, વર્ષ ૨૦૪૦ સુધીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૧૦ મિલિયન (૧ કરોડ) ટન તાંબાની ખાધ સર્જાવાનો અંદાજ છે. આ આંકડો વર્તમાન વૈશ્વિક માંગના લગભગ ૩૩ ટકા જેટલો તોતિંગ છે, જે ભવિષ્યની ઔદ્યોગિક પ્રગતિ માટે લાલ બત્તી સમાન છે.
આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વમાં ગ્રીન એનર્જી અને ટેકનોલોજી તરફ જે રીતે દોટ મૂકવામાં આવી છે, તેના કારણે તાંબાની માંગમાં રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળશે. વર્ષ ૨૦૨૫ માં તાંબાની વૈશ્વિક માંગ ૨૮ મિલિયન ટન (૨.૮૦ કરોડ ટન) હોવાનો અંદાજ છે, જે વર્ષ ૨૦૪૦ સુધીમાં વધીને ૪૨ મિલિયન ટન  (૪.૨૦ કરોડ ટન) સુધી પહોંચી જશે. તાંબુ એ માત્ર એક ધાતુ નથી, પરંતુ આધુનિક વીજળી વ્યવસ્થાની કરોડરજ્જુ છે, તેથી આ માંગમાં વધારો થવો સ્વાભાવિક છે.
આ માંગ વધવા પાછળનું મુખ્ય કારણ એશિયા ખંડ રહેશે. એક અંદાજ મુજબ, કુલ માંગ વૃદ્ધિમાં એકલા એશિયાનો હિસ્સો ૬૦ ટકા જેટલો રહેશે. ભારત અને ચીન જેવા દેશોમાં ઝડપથી થઈ રહેલા ગ્રીડ અપગ્રેડેશન અને ઇલેક્ટ્રિક વાહનો (ઈવી)ના વધતા જતા વપરાશને કારણે તાંબાની જરૂરિયાત અનેકગણી વધી જશે. ઇલેક્ટ્રિક કારમાં પરંપરાગત પેટ્રોલ-ડીઝલ કાર કરતા ત્રણથી ચાર ગણું વધુ તાંબુ વપરાય છે, જે આ સંકટને વધુ ઘેરું બનાવશે.
બીજી તરફ, ટેકનોલોજીની દુનિયામાં આવેલી 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (એઆઈ)ની ક્રાંતિ પણ તાંબાની અછતમાં મોટો ભાગ ભજવશે. એઆઈ ડેટા સેન્ટરોને કાર્યરત રાખવા માટે જંગી વીજળી અને કુલિંગ સિસ્ટમ્સની જરૂર પડે છે, જેમાં તાંબુ અનિવાર્ય છે. રિપોર્ટ અનુસાર, એઆઈ ડેટા સેન્ટરો માટે તાંબાની માંગમાં ૧૨૭ ટકાનો જબરદસ્ત વધારો થશે અને વર્ષ ૨૦૪૦ સુધીમાં તે ૨.૫ મિલિયન ટન (૨૫ લાખ ટન) સુધી પહોંચી જશે.
ચિંતાનો વિષય એ છે કે માંગની સામે પુરવઠો (સપ્લાય) મર્યાદિત છે. ખાણકામ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, તાંબાનો પુરવઠો વર્ષ ૨૦૩૦ માં તેની ટોચ પર એટલે કે ૩૪ મિલિયન ટન આસપાસ રહેશે, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો શરૂ થશે. જૂની ખાણો ખાલી થવી અને નવી ખાણો શોધવામાં લાગતો સમય જેવા પરિબળોને કારણે, વર્ષ ૨૦૪૦ સુધીમાં પુરવઠો ઘટીને ૩૨ મિલિયન ટન થઈ જવાની ભીતિ છે.
આમ, એક તરફ માંગ ૪૨ મિલિયન ટન હશે અને બીજી તરફ પુરવઠો માત્ર ૩૨ મિલિયન ટન હશે, જેના પરિણામે ૧૦ મિલિયન ટનની વિશાળ ખાધ સર્જાશે. આ કારણોસર જ હવે તાંબાને આગામી સમયની 'વૈશ્વિક વ્યૂહાત્મક કોમોડિટી' (ગ્લોબલ સ્ટ્રેટેજિક કોમોડિટી) તરીકે જોવામાં આવી રહ્યું છે. જેમ ભૂતકાળમાં તેલ માટે યુદ્ધો થયા હતા, તેમ ભવિષ્યમાં તાંબા જેવી મહત્વની ધાતુઓ માટે દેશો વચ્ચે આર્થિક ખેંચતાણ જોવા મળી શકે છે.
જો તાત્કાલિક ધોરણે રિસાયક્લિંગ અને નવી ખાણકામ નીતિઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આ સંકટ મોંઘવારી અને વિકાસદરમાં ઘટાડાનું કારણ બની શકે છે.

 

(1:37 AM IST)