તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
અમેરિકામાં ગોઝારી દુર્ઘટના: બર્ફીલા તોફાન વચ્ચે ઉડાન ભરતા જ વિમાન તૂટી પડ્યું: સાત લોકોના કમકમાટીભર્યા મોત: મેઈન રાજ્યમાં બનેલી દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ: ફેડરલ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ

અમેરિકાના મેઈન રાજ્યમાં એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ ખાનગી જેટ વિમાને જ્યારે ઉડાન ભરી ત્યારે ત્યાં ભયંકર બર્ફીલું તોફાન ચાલી રહ્યું હતું. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટી વચ્ચે ટેકઓફ કરવાની થોડી જ ક્ષણોમાં વિમાન પાયલટના કાબૂ બહાર ગયું હતું અને જમીન પર પટકાઈને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.
દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કુલ આઠ લોકો સવાર હતા, જેમાં પાયલટ અને ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે. બચાવ કામગીરી માટે પહોંચેલી ટીમોને ઘટનાસ્થળેથી સાત મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બચી ગયેલી વ્યક્તિની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન જમીન સાથે અથડાયું ત્યારે મોટો ધડાકો થયો હતો અને બરફની વચ્ચે આગના ગોળા જોવા મળ્યા હતા. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં પણ ભારે અવરોધ ઊભો થયો હતો.
અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી) દ્વારા આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રનવે પર બરફ જામી જવાને કારણે અથવા વિમાનની પાંખો પર બરફનો થર બાઝી જવાને કારણે (આઈસિંગ) આ દુર્ઘટના બની હોઈ શકે છે.
તપાસ એજન્સીઓ બ્લેક બોક્સ અને કોકપિટ વોઈસ રેકોર્ડરની તપાસ કર્યા બાદ જ ચોક્કસ કારણ સુધી પહોંચી શકશે. હવામાન વિભાગે પહેલાથી જ આ વિસ્તારમાં બર્ફીલા તોફાનની ચેતવણી આપી હતી, તેમ છતાં વિમાનને ઉડાન ભરવાની મંજૂરી કેમ આપવામાં આવી તે પણ તપાસનો વિષય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
